રીપોર્ટ@સાબરકાંઠા: વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરી હલ્લાબોલ કર્યો

 
Chakchar
હોસ્ટેલ વોર્ડન અને આચાર્યના વર્તન સામે પણ ગંભીર આક્ષેપો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાબરકાંઠા પોશીના તાલુકામાં આવેલી ચંદ્રાણા એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં રહેવા માટે પૂરતા ગાદલા અને અભ્યાસ માટે જરૂરી પુસ્તકો પણ ઉપલબ્ધ નથી. સુવિધાઓના નામે શૂન્ય વહીવટ વચ્ચે વિદ્યાર્થીઓએ પાયાની જરૂરિયાતો પૂરી ન થતા શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરી હલ્લાબોલ કર્યો હતો. આ ઘટનાને પગલે શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વિદ્યાર્થીઓએ સુવિધાઓના અભાવે જ નહીં, પરંતુ હોસ્ટેલ વોર્ડન અને આચાર્યના વર્તન સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલ વોર્ડન રાત્રિના સમયે વીડિયો બનાવીને તેમને માનસિક રીતે હેરાન પરેશાન કરે છે. આ ઉપરાંત આચાર્ય પર વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ રાખવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ એક જ માંગ પકડી છે કે જવાબદાર આચાર્ય અને વોર્ડનની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે.