રીપોર્ટ@શંખેશ્વર: જો ખનન અને ડમ્પિંગ ગેરકાયદે તો પછી કાગળો ક્યાંથી આવ્યા? ઉભા કર્યા કે હકીકતના?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
શંખેશ્વર નજીક બની રહેલ સોલાર પ્રોજેક્ટ પાસે માર્ગ માટે હજારો ટન માટી ઠાલવી તે મુદ્દો ફરીએકવાર ગરમાયો છે. સર્વેયર અને ખાણખનીજની તપાસ ટીમે જણાવ્યું કે, માટી ખનન અને ડમ્પિંગ બંને પરવાનગી વગરનુ છે પરંતુ કંપની તરફથી કેટલાક કાગળો રજૂ થયા હોઈ તેની સ્ક્રુટીની ચાલું છે. હવે અહીં સવાલ થાય કે, ખનન અને ડમ્પિંગ બંને ગેરકાનૂની હોય તો એવા તે કયા કાગળો રજૂ થયા હશે ? આ બાબતે પ્રાથમિક તબક્કે પાટણ ખાણખનીજ એકમે જણાવ્યું કે, પાટણ જિલ્લા સિવાય સુરેન્દ્રનગર જિલ્લાની હદ પણ લાગતી હોઈ સંભવતઃ સુરેન્દ્રનગર જીલ્લાના કાગળો પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા દંડનીય કાર્યવાહીને શંકા નથી પરંતુ સુરેન્દ્રનગર જીલ્લા ખાણખનીજ બાબતે હવે શું અને કઈ રીતે તે સૌથી મોટો સવાલ છે. જાણીએ સમગ્ર અહેવાલ.
પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવર ગામ નજીક મહાકાય અને ખૂબ હેવી ગણાતી કંપનીનો સોલાર પ્લાન્ટ ઊભો થઈ રહી રહ્યો છે. આ માટે કેટલાક મહિના અગાઉ કોઈ ઈસમોએ કંપનીના માર્ગ પરિવહનને સરળતા કરાવવા કુંવર નજીક જમીનમાંથી હજારો ટન માટી ઉઠાવી સદર માર્ગે ઠાલવી દીધી હતી. આ બાબતે પાટણ ભૂસ્તરશાસ્ત્રી કચેરીને ધ્યાને આવતા થયેલી સ્થળ મુલાકાત અને પરમિશન તપાસતાં ગેરકાનૂની માલૂમ પડ્યું હતુ. આ પછી નોટીસ ફટકારતાં કંપની તરફ જે જવાબ તેનો પણ પ્રાથમિક અભ્યાસ કરી કચેરીના કર્મચારીએ જણાવ્યું કે, દંડ થાય તેવો કેસ છે. આ દરમ્યાન સર્વે આધારે દંડની રકમ પણ 30થી35 લાખ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. હવે બરાબર આ સમયે પાટણ ખાણખનીજના કર્મચારીએ જણાવ્યું કે, નોટીસ બાદ કાગળો આવેલ હોઈ સ્ક્રૂટીની કરવાના છે તેમાં સુરેન્દ્રનગર અથવા ગાંધીનગર સંપર્ક કરવો પડશે. હવે સવાલ થાય કે, આ કાગળો શું દંડથી બચવાના કે પછી અન્ય જિલ્લાની પરમિટના હશે ? જો પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીના કર્મચારીએ ખનન અને ડમ્પિંગ બંને ગેરકાનૂની ગણાવ્યું તો કાગળો કયા હશે ? વાંચો નીચેના ફકરામાં
સૂત્રોએ જણાવ્યું હતું કે, કંપનીએ સ્વાભાવિક તેના બચાવમાં આ કાગળો રજૂ કર્યા હશે અથવા તેનો પક્ષ મૂક્યો હશે. જોકે અહીં સવાલ થાય કે, એવા તો કેવા કાગળો હશે કે જેનાથી દંડમાં રાહત મળી શકે ? આટલું જ નહિ શરૂઆતમાં ખુદ પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી વ્યાસે પણ કહ્યું હતું કે, ટેલિફોનિક વાતમાં ધ્યાને આવ્યું કે, કંપની પાસે કંઇક કાગળો હશે. આથી કંપનીને મળેલ તક બાદ કાગળો રજૂ કર્યા છે તે ખરેખર હકીકતલક્ષી કે રાહતરૂપ બની શકશે તે સૌથી મોટો સવાલ છે.