રીપોર્ટ@સીંગવડ: મનરેગામાં કરોડોના બોગસ બીલો મૂકનારી એજન્સીઓને બ્લેકલિસ્ટ થાય, સૌથી મોટો ઘટસ્ફોટ

 
સિંગવડ
મનરેગાની સાઈટમા વર્ક સાઇટના બોગસ ફોટા અપલોડ કરી સિસ્ટમનો દૂરૂપયોગ પણ કર્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


સીંગવડ તાલુકામાં ગત 4 નાણાંકીય વર્ષ દરમ્યાન મનરેગામાં વિવિધ એસેટ ઉભી કરવા ટીડીઓ અને એપીઓ દ્રારા અનેક હુકમો થયા હતા. આ પૈકી અસંખ્ય હુકમો મુજબ કરોડોનો માલસામાન વર્ક સાઇટ ઉપર મોકલવાનો છતાં એજન્સીઓએ મોકલ્યો નથી. સુનિયોજિત રીતે એકબીજાના મેળાપીપણામાં પ્લાનિંગ કરી છેતરપિંડીનો મોટો કાંડ થયો હતો. જે તે સ્થળે માલસામાન નહિ પહોંચાડી બોગસ બીલો મૂકી એજન્સીઓએ કરોડો રૂપિયા સરકાર પાસેથી મેળવી લીધા છે. આથી નિયમોનુસાર આવી રીતે ફ્રોડ કરનારી એજન્સીઓ બ્લેકલિસ્ટ થાય, જોકે સમગ્ર છેતરપિંડીમાં કરારી કર્મચારીઓ પણ સામેલ હોવાથી આજદિન સુધી એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ નથી. ઓનલાઇન દેખાતી મનરેગાની અનેક એસેટ આજે સીંગવડ તાલુકામાં નથી તેના જવાબદારો કોણ ? વાંચો સ્પેશ્યલ રિપોર્ટ.


દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં નાણાંકીય વર્ષ 2020થી 2023-24 સુધીમાં તમને એવા અનેક ગામો જોવા મળશે જ્યાં એક જ વર્ષમાં કરોડો રૂપિયાનો બિલ્ડિંગ મટીરીયલનો સામાન પહોંચ્યો હોય. ઓનલાઇન રીપોર્ટ જુઓ તો ખબર પડશે કે, સીંગવડ તાલુકા પંચાયતે અનેક એજન્સીઓ પાસેથી કરોડોનું બિલ્ડિંગ મટીરીયલ ખરીદ્યું પરંતુ ચોંકાવનારો ખુલાસો થયો છે. ટીડીઓ અને એપીઓ દ્રારા થયેલ મટીરીયલ ખરીદી અને ડિલીવરી સંદર્ભના હુકમો સામે હકીકતમાં વર્ક સાઇટ ઉપર માલસામાનની ડીલીવરી થઈ નથી. સરજુમી, પાલ્લી, ભૂતખેડી સહિતના અનેક ગામોમાં અસંખ્ય જગ્યાએ માલસામાનની ડીલીવરી કર્યા વગર જ એજન્સીઓએ બીલો મૂકી દીધા હતા. વાંચો નીચેના ફકરામાં કેવીરીતે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂર્વ આયોજિત ષડયંત્ર રચી એજન્સી, કરારી કર્મચારી, એજન્ટ સહિતનાએ ભેગા મળીને બોગસ બીલો મૂકી/મૂકાવી વર્ક સાઇટ ઉપર કોઈ જ માલસામાન નહિ પહોંચાડી સરકાર સાથે છેતરપિંડી આચરી છે. આ લોકોએ મનરેગાની સાઈટમા વર્ક સાઇટના બોગસ ફોટા અપલોડ કરી સિસ્ટમનો દૂરૂપયોગ પણ કર્યો છે. જે વર્ક સાઇટ ઉપર માલસામાન નથી પહોંચાડ્યો તેવી એજન્સીઓ તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ થાય પરંતુ કરારી કર્મચારીઓની મિલીભગતથી આવી રીતે ફ્રોડ કરનારી એજન્સીઓ આજેપણ ધમધમી રહી છે. હકીકતમાં એકપણ વર્ક સાઇટ ઉપર માલ ના આપ્યો હોય તો પણ એજન્સી બ્લેકલિસ્ટ થાય અને જીએસટી નંબર રદ્ કરવા પણ ભલામણ કરી શકાય પરંતુ કૌભાંડમાં સામેલ ટોળકીએ કોઈ કાર્યવાહી કરી નથી.

કેન્દ્ર સરકારના મનરેગા વિભાગમાં થઈ રજૂઆત હવે સીબીઆઈ તપાસની માંગ 

જે એજન્સીઓએ અને કરારી કર્મચારીઓએ સીંગવડ તાલુકામાં જે વર્ક સાઇટ ઉપર માલસામાન નથી પહોંચાડ્યો અને એસેટ ઉભી નહિ કરીને સરકાર સાથે છેતરપિંડી કરી તેમનાં વિરુદ્ધ ગંભીર રજૂઆત થઈ છે. કેન્દ્ર સરકારના મનરેગા વિભાગમાં રજૂઆત કરી યાદી આપવામાં આવી છે. મનરેગા કેન્દ્ર સરકારની યોજના કમ કાયદો હોવાથી સીબીઆઈમાં પણ તપાસની માંગ થઇ શકે તેમ હોઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનમા રજૂઆત કરવાની તૈયારી થઈ હોવાનું જાણવા મળ્યું છે.