રીપોર્ટ@સીંગવડ: મનરેગામાં બોગસ બીલો મૂકી એજન્સીએ કરી કરોડોની કમાણી, કૌભાંડની કારીગરી જાણો

 
Kaubhand
100 બેગની જરૂરિયાત સામે 20થી 25 જેવી નજીવી બેગો આપેલ છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સીંગવડ તાલુકામાં મનરેગા હેઠળ ભેગા મળીને એક પ્રકારની લૂંટ થઈ ચૂકી છે. એજન્સી અને ભ્રષ્ટ કરારીએ બોગસ બીલો, બોગસ રેકર્ડ, બોગસ એન્ટ્રી ભરીને સરકારમાંથી કરોડોની રકમ ખેંચી લીધી હતી. નાણાંકીય વર્ષ 2019-20થી લઈને 2023-24 દરમ્યાન અનેક ગામોમાં મનરેગાના અસંખ્ય વર્કકોડ પાડીને સિસ્ટમમાં બોગસ લેબર વિગતો ભરી મટીરીયલના ખોટાં બીલો મૂકી માંગણી કરી હતી. જેમાં કરારી અને કાયમી કર્મચારીઓ સાથે સૌથી મોટી લૂંટ એજન્સીએ કરી હોવાનો મહા ઘટસ્ફોટ થયો છે. એક એજન્સી એવી સામે આવી કે, જેણે કરોડોની બેનામી આવક મનરેગા થકી કરી હતી. આ એજન્સીએ જે સાઈટ ઉપર મટીરીયલ મોકલ્યાનુ કાગળ ઉપર છે તેની સ્થળ તપાસ કરવામાં આવે તો આંખો પહોળી થઇ જાય તેવું કૌભાંડ મળે તેમ છે. વાંચો નીચેના ફકરામાં.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકો મનરેગા બાબતે અન્ય તાલુકાઓથી અલગ છે. અહીં મનરેગાના કામોમાં રાજકીય સુચના, ઉપરથી ભલામણો કે અન્ય કોઈ ચંચુપાત નથી. આ બાબતનો લાભ ઉઠાવીને સીંગવડ તાલુકામાં મટીરીયલ એજન્સીએ બેફામ અને બેરોકટોક ભ્રષ્ટાચાર કરી લીધો છે. અર્પિત નામે એજન્સીએ ખૂબ ચાલાકીથી અને ભ્રષ્ટ કરારીઓના મેળાપીપણામાં સરકાર સાથે સૌથી મોટી ગદ્દારી કરી છે. આ અર્પિત એજન્સીએ જે બીલો મૂક્યા હતા તે વર્ક સાઈટ સ્થળ તપાસ કરવામાં આવે તો પૂરતું મટીરીયલ આપ્યું જ નથી. એક ઉદાહરણથી સમજીએ તો વર્ક સાઈટ ઉપર સિમેન્ટની 100 બેગની જરૂરિયાત સામે 20થી 25 જેવી નજીવી બેગો આપેલ છે. આટલું જ નહિ, અનેક વર્ક સાઈટ ઉપર તો મટીરીયલ જ નથી કે એસેટ જ નથી. આવી સ્થિતિમાં ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. વાંચો નીચે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અર્પિત એજન્સીના તમામ બીલો અને મનરેગા એસેટનુ ક્રોસિંગ થાય તો કેવીરીતે લૂંટ ચલાવી તેનો ભાંડો ફૂટી જાય તેમ છે. આ બાબતે અર્પિત એજન્સીના કર્તાહર્તા નાયકને પૂછ્યું તો જણાવ્યું કે, અમોએ તો ચોથા ભાગનું કામ કર્યું બાકીના કરોડોના કામો ખોટી એજન્સીઓના છે. એનો મતલબ થયો કે, આ અર્પિત પોતાને પાકસાફ કહે છે અને બીજી એજન્સીઓ ઉપર ભ્રષ્ટાચારનુ તેલ રેડે છે. સમગ્ર વિષયે જો દાહોદ પોલીસની જાંબાઝ એસ.ઓ.જી ટીમ મટીરીયલ ખરીદ-વેચાણ, મનરેગામાં મૂકેલ બીલો અને જીએસટી સહિતની ઉંડાણપૂર્વકની તપાસ કરે તો ધોરણસરની ફરિયાદ દાખલ થાય તો નવાઇ નહિ. આથી સરકારના હિતમાં અને ભ્રષ્ટો પાસેથી રિકવરી કરાવવા સીંગવડ તાલુકાના જે ગામોમાં ઈરાદાપૂર્વક ખોટાં બીલો મૂકવામાં આવ્યા તેનો કાળો ચિઠ્ઠો રજૂ કરવા બીજા ન્યૂઝ રીપોર્ટમાં પ્રયત્ન કરીએ.