રીપોર્ટ@સીંગવડ: મનરેગામાં એલવન નથી છતાં ખરીદીનો અહિં રાફડો, નિયામક તપાસમાં ક્યારે જશે

 
Manarega
નિયામકે ગેરરીતિ ગણાવી દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

દેવગઢબારિયા તાલુકામાં મનરેગાના કૌભાંડ મામલે નિયામકે જે ફરિયાદ નોંધાવી તેની વિગતો ચોંકાવનારી છે. નિયામકે ફરિયાદમાં જણાવ્યું છે કે, એલવન નહોતી તેવી એજન્સીઓ સાથે મટીરીયલનુ ખરીદ/વેચાણ થયું તે ગેરકાયદેસર છે. જો એલવન વગરની એજન્સી પાસેથી મટીરીયલ ખરીદવાનુ ના હોય તો સીંગવડ તાલુકામાં કેમ બેફામ ખરીદી થઈ છે. પાછલા કેટલાક વર્ષોમાં સીંગવડ તાલુકામાં મનરેગા હેઠળ મટીરીયલ ખરીદી બેફામ થઈ તેમાં એજન્સીઓનો રાફડો ફાટ્યો હોય તેટલી સંખ્યા છે. તો શું અનેક એજન્સીઓ એલવન હતી ? આ મામલે હવે નિયામક ક્યારે સીંગવડ તાલુકામાં તપાસ માટે જશે, કેમ કે કેન્દ્ર સરકારે પણ હકીકતલક્ષી અહેવાલ માંગેલ છે. વાંચો સ્પેશ્યલ રિપોર્ટ.


દાહોદ જિલ્લાના દેવગઢબારિયા અને ધાનપુર તાલુકાના 3 ગામોમાં મનરેગાના કરોડોના કૌભાંડનો પર્દાફાશ ખુદ સરકારે કર્યો છે. જેમાં કેટલાક કામો અધૂરા, કેટલાક નથી થયા અને સૌથી મોટો મુદ્દો ટેન્ડર બાબતનો લખાવ્યો છે. દાહોદ ડીઆરડીએ નિયામકે પોલીસ સ્ટેશને આપેલ ફરિયાદમાં લખ્યું છે કે, ટેન્ડર પ્રક્રિયામાં ભાગ ના લીધો હોય અને ભાવો મામલે એલવન ના હોય તેવી એજન્સીઓ પાસેથી મટીરીયલ ખરીદવામાં આવ્યું અને એજન્સીઓ પોતે એલવન ના હોવાનું જાણતી હતી છતાં મટીરીયલના બીલો મૂક્યા. આ બાબતને નિયામકે ગેરરીતિ ગણાવી દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવ્યો છે. તો હવે સૌથી મોટો સવાલ થાય કે, જો એલવન વગરની એજન્સી સાથે ખરીદવેચાણ ના થાય તો સીંગવડ તાલુકામાં કેમ આ ધંધો બેફામ થયો ? સીંગવડ તાલુકામાં અનેક એજન્સીઓ, એટલે કે જેને જ્યાં તક મળી તેવી રીતે બેફામ બીલો મૂકી મટીરીયલ ગ્રાન્ટ ખેંચી લીધી છે. જો ટેન્ડર પ્રક્રિયાવાળો અને એલવનનો વિષય અહિં ચકાસવામાં આવે તો ભ્રષ્ટાચારનો મહા ઘટસ્ફોટ થાય તેમ છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતે દર વર્ષે મનરેગા હેઠળ મટીરીયલ ખરીદવા ટેન્ડર પ્રક્રિયા કરવાની થાય છે. આવા સંજોગોમાં જો ટેન્ડર થયું હોય અને કોઈ એજન્સીઓ એલવન થઈ હોય તો સીંગવડ તાલુકામાં કેમ ઢગલાબંધ એજન્સીઓ પાસેથી મટીરીયલ ખરીદવામાં આવ્યા ? શું સીંગવડ તાલુકામાં એકાદ બે નહિ પરંતુ થોકબંધ એજન્સીઓ એલવન હતી ? ખુદ કરારી કર્મચારીઓની એજન્સીઓ હતી તેમજ કેટલીક એજન્સીઓ સ્પેશ્યલ મનરેગા હેઠળ મટીરીયલના બીલો મૂકવા માટે ઉભી કરવામાં આવી હતી. આથી જો દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં એલવન જોવામાં આવે તો સીંગવડ તાલુકામાં કેમ નહિ ? નાણાંકીય વર્ષ 2019-20થી 2024-25 દરમ્યાન કેટલી વખત ધોરણસરની ટેન્ડર પ્રક્રિયા થઈ? કઈ અને કેટલી એજન્સી એલવન થઈ હતી? તેની જાણકારી લેવાય અને સીંગવડ તાલુકાના તમામ ગામોના ઉપરોક્ત વર્ષ દરમ્યાન મટીરીયલના બીલો કોણે અને કેટલા મૂક્યા હતા ? આ બાબતે જો ધોરણસરની તપાસ થાય તો દાહોદ મનરેગાનો સૌથી મોટો ખુલાસો થાય તેમ છે.