રીપોર્ટ@સ્પોર્ટ્સ: કોચ વિરુદ્ધ મહિલાઓની ફરિયાદમાં તપાસ પૂર્ણ, કાર્યવાહી થશે કે બચાવ?

 
Sports
વિભાગ રીપોર્ટ ઉપર નિર્ણય નહિ કરે ત્યાં સુધી ન્યાય વધુને વધુ વિલંબમાં જઈ રહ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ભાવનગર રમતગમત સંકુલના કોચ વિરુદ્ધ મહિલાઓની ગંભીર પ્રકારની ફરિયાદ મામલે જાતીય સતામણી સમિતિએ તપાસ પૂર્ણ કરી છે. તપાસ કમિટીના ચીફ મહિલા સહિતના સભ્યોએ નિવેદનો નોધી અને જરૂરી વિગતો સાથેનો રીપોર્ટ સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટર જનરલને સુપ્રત કર્યો છે. હવે અહીં સૌથી મોટો સવાલ થાય છે કે, તપાસમાં શું મળી આવ્યું, રજૂઆત મુજબના આક્ષેપોને સમર્થન મળે છે કે કેમ? રજૂઆત કર્યા મહિલાઓને ન્યાય મળશે? આક્ષેપોનો નિકાલ કરી ફાઇલે થશે ? આ સવાલો વચ્ચે બીજી બાબત જાણવી પડશે કે, વિભાગ સુધી કેટલું તથ્ય પહોંચ્યું છે. જાણીએ સમગ્ર અહેવાલ.


ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને ભાવનગર જિલ્લા રમતગમત સંકુલના મહિલા રમતવીરોની ફરિયાદ પહોંચી હતી. ફરિયાદ કે રજૂઆત ખૂબ જ ગંભીર અને ચોંકાવનારી એટલા માટે કે, ભાવનગર જિલ્લા કોચ વિરુદ્ધ હેરેસમેન્ટની તપાસ થઇ છે. એસએજીની કમિટીએ જરૂરી નિવેદનો નોંધી તપાસ પૂર્ણ કરી આખો રીપોર્ટ ડીજી સમક્ષ રજૂ કરી દીધો છે. તપાસ રીપોર્ટમાં શું એ સવાલ નથી પરંતુ આક્ષેપો કે રજૂઆતને સમર્થન મળે છે ? માત્ર આટલુ પૂરતું પણ તપાસ કમિટી બોલવા તૈયાર નથી. ગંભીર પ્રકારના આક્ષેપોની ફરિયાદમાં તપાસ બાદ તાત્કાલિક અસરથી નિર્ણય કેમ નહિ ? તે સૌથી મોટો સવાલ એટલા માટે છે કે, જેના વિરુદ્ધ તપાસ થઈ તેનો દબદબો પણ છે. ભાવનગર જિલ્લા કોચના પિતા પણ અગાઉ કોચ હતા, માતા પૂર્વ પાલિકા પ્રમુખ જ્યારે પોલીસ વિભાગ સાથે પણ સંબંધ છે. વાંચો નીચેના ફકરામાં.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગર કોચ વિરુદ્ધ આ પ્રથમ વખત આક્ષેપો નથી, અગાઉ અનેકવાર વિવાદો અને સંજોગો ઉભા થયા હતા પરંતુ યેનકેન પ્રકારે દબાઇ ગયા હતા. આ કોચના પત્ની પોલીસ વિભાગમાં પીઆઇના હોદ્દા ઉપર હોવાથી ઘરમાં કાયદાની સમજણ વધારે હોય તેમ માની શકાય. જો તપાસ રીપોર્ટમાં આક્ષેપોને સમર્થન ના હોય તો રજૂઆત કર્તાઓને કેમ આવા ગંભીર આક્ષેપો કરવા પડ્યા? ખોટી રજૂઆત કરાવી કોઈ ઈરાદો પાર પાડવાની વાત હશે ? બંને તરફી સવાલોનો જવાબ તપાસ રીપોર્ટમાં છે પરંતુ જ્યાં સુધી ડીજી અથવા વિભાગ રીપોર્ટ ઉપર નિર્ણય નહિ કરે ત્યાં સુધી ન્યાય વધુને વધુ વિલંબમાં જઈ રહ્યો છે. 

વિભાગના સચિવો જાગો, એક્ટિવ બનો


આ ખૂબ જ ગંભીર ફરિયાદ હોઈ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મહિલા અધિકારીને પૂછતાં જણાવ્યું કે, આ સંદર્ભે મુખ્ય કોચ સાથે વાત થઈ છે. ડેપ્યુટી સચિવ વસાવાએ જણાવ્યું કે, અગ્ર સચિવને ધ્યાને મૂકીએ. જ્યારે અગ્ર સચિવ અશ્વિનીભાઇને વાત કરવાનો પ્રયત્ન કરતાં તેમના મદદનીશે કહ્યું કે, સૌપ્રથમ ડીજીને વાત કરીએ છીએ.

ડીજી સંપૂર્ણ તપાસ અને કાયદાકીય પગલાં ભરશે ?


સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ નિનામા છે ત્યારે આ ગંભીર ફરિયાદ ઉપર આગળનો નિર્ણય કે પ્રક્રિયા ડીજીએ કરવી પડશે. હવે જો તપાસ રીપોર્ટ આધારે કાર્યવાહી થાય તો શું ડીજી સ્વયં નિર્ણય કરશે કે એસએજીની કમિટી મારફતે? અથવા વિભાગને અભિપ્રાય સહ રીપોર્ટ સુપ્રત કરાવી નિર્ણય માટે મોકલી શકે છે? આ તમામ બાબતો તપાસ પૂર્ણ થઈ છે ત્યારે ડીજીએ અગત્યનુ ગણી આગળની પ્રક્રિયા માટે સમય કાઢવો પડશે.