રીપોર્ટ@સુઈગામ: નવીન વિશ્રામગૃહમાં તિરાડો છતાં ઈજનેરને ખામી નથી જણાતી, પછી કહ્યું, ફાઇનલ જોવાનુ બાકી
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સુઈગામ ખાતે રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે નવીન વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યું તેમાં હજુ લોકાર્પણ બાકી છે. માહિતી પ્રમાણે સિવિલ એટલે કે, બાંધકામ સંબંધિત કામ પૂર્ણ થયું અને ફર્નિચર કામ પ્રગતિમાં છે. હવે બાંધકામમાં અનેક જગ્યાએ નાની તિરાડો અત્યારથી જ દેખાવા લાગી ત્યારે સવાલો ઉભા થયા છે. આથી ડેપ્યુટી ઈજનેરને પૂછતાં જણાવ્યું કે, તમે રૂબરૂમાં જોયું છે? એ જોડાણ છે એટલે એવું જ હોય? પરંતુ આખી દિવાલમાં વચ્ચેના ભાગમાં પણ સામાન્ય તિરાડો છે એ ઈજનેરને ધ્યાને લેવું નથી. આથી વધુ પૂછતાં એવું કહ્યું કે, મારે ફાઇનલ વિઝીટ બાકી છે એટલે જોયા પછી ખબર પડે. સ્થાનિકો, જાગૃત નાગરિકો કે મિડિયા જગત કોઈ વિષય સરકારના હિતમાં ધ્યાને લાવે તો પાછાં પાડવાના હોય કે, ઝીણવટપૂર્વક ખાત્રી કરી કોન્ટ્રાક્ટર મારફતે યોગ્ય કરાવાનુ હોય ? જાણીએ સમગ્ર અહેવાલ.
બનાસકાંઠા જિલ્લાના છેવાડાના સુઈગામ ખાતે ગુજરાત સરકારના રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા સરેરાશ પાંચેક કરોડના ખર્ચે નવીન વિશ્રામ ગૃહનું કામ મોટાભાગે પૂર્ણ થયું છે. બાંધકામની કામગીરી પૂર્ણ થઇ છે ત્યારે દિવાલોમાં અને આસપાસના બાંધકામમાં તિરાડો દેખાઇ એટલે સંબંધિત ઈજનેર ચૌધરીને પૂછતાં જણાવ્યું કે, તમે ત્યાં જઈને જોયું છે? વિડિયો તો મારી જોડે પણ આયો, એ જોઈન્ટ હોવાથી એમ જ હોય અને કોઈ તિરાડ કે ખરાબ કામ નથી. હવે બીજા કેટલાક ફોટોગ્રાફ્સ પ્રમાણે સામાન્ય તિરાડો દિવાલના મૂળ ભાગમાં પણ છે ત્યારે સવાલ ઉભો રહે છે. વધુમાં એવું પૂછ્યુ કે, તો પછી ઠેકેદારને કામમાં કોઈ સુચના આપવી જરૂરી નથી ને ? તો જવાબમાં જણાવ્યું કે, ના, ફાઇનલ વિઝીટ મારે બાકી છે એટલે જોયા પછી ખબર પડશે. પરંતુ હવે અહિં સવાલ થાય કે, કામ પ્રગતિમાં હોય અને વોરંટી પિરિયડ પણ શરૂ નથી ત્યારે અને ચૂકવણું પણ બાકી છે ત્યારે નાની ખામી પણ યોગ્ય કરાવી શકાય છે. જોકે ઈજનેરને સામાન્ય તિરાડ બાબતે ખામી નહિ જણાતાં માથું ખંજવાળવુ પડે તેવી સ્થિતિ જાગૃત નાગરિકો માટે સર્જાઇ છે.

