રિપોર્ટ@સુરત: વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા ફરી ખાડીપૂરનું સંકટ મંડરાયું, તંત્ર એલર્ટ મોડ પર

 
વરસાદ
કતારગામ વિસ્તારમાં મહાનગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત શહેર અને જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 'રેડ એલર્ટ'ની આગાહીને પગલે જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. કલેક્ટર તેજસ પરમારના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે. બપોર પછી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા હોવાથી નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સુરતના અલગ-અલગ વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને સુરતનું સૂર્યપુર ગરનાળુ વરસાદી પાણીથી ભરાવા લાગતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગરનાળામાં પાણીનું સ્તર વધવાને કારણે અનેક વાહનો અટવાઈ ગયા છે, જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતમાં ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતાં પૂરનું સંકટ ઘેરાયું છે. કતારગામ, સૂર્યપુર ગરનાળા અને પોદાર આર્કેડ રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. કતારગામમાં ખુલ્લી ગટર અને SMC કર્મચારીઓની બેદરકારી સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.

રાજ્યભરમાં SEOC દ્વારા 24×7 સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વરસાદનું જોર એટલું વધારે છે કે સૂર્યપુર ગરનાળાથી લઈને પોદાર આર્કેડ સુધીનો આખો રોડ જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જ જગ્યાએ જગ્યાએ લાંબો ટ્રાફિકજામ થઈ ગયો છે અને વાહનચાલકો અટવાઈ પડ્યા છે.સુરતના કતારગામ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા (SMC)ની મોટી બેદરકારી સામે આવી છે. રોડ પર ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું ઢાંકણું ખોલી દેવાયું છે, જ્યાં પાણીનું ભમરી જેવું જોખમી વહેણ સર્જાયું છે. આ ખુલ્લી ગટર પાસે કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કે આડશ ન મૂકાતાં અકસ્માતનો મોટો ખતરો ઊભો થયો છે.

બીજી તરફ, વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ રહેતાં વેપારીઓનાં દુકાનોમાં પાણી ઘૂસી જવાનો ભય મંડરાઈ રહ્યો છે. સ્થાનિકોને આ માર્ગ પરથી અત્યંત સંભાળીને પસાર થવા અપીલ કરાઈ છે. સુરતમાં કતારગામ અને કતારગામ દરવાજા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન માટે આરોગ્ય મંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ પહોંચી કલેક્ટર સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. એક તરફ તંત્ર દ્વારા તમામ આગોતરી તૈયારીઓનો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ પાણી ભરાયેલી જગ્યાથી માત્ર 500 મીટર દૂર SMCના કર્મચારીઓ બ્રિજ નીચે પલળવાથી બચવા ઊભા રહીને વાતોમાં મગ્ન દેખાતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુરતીઓને ફરીથી પૂરનો સામનો ન કરવો પડે તે માટે પાલિકા તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.