રિપોર્ટ@સુરત: પર્યાવરણ મંત્રીની ઉદ્યોગપતિઓ સાથે બેઠક, 'પ્રદુષણ બંધ નહિ કરો તો મિલો બંધ'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત જીલ્લામાં ઉદ્યોગોને લીધે વધી રહેલા પ્રદુષણને લઇ મંત્રીએ ઉદ્યોગપતિઓની બેઠક બોલાવી હતી. સાયણ સહીત આજુબાજુના ગામોમાં વધી રહેલા પ્રદુષણને લઇ મંત્રીએ ઉદ્યોગપતિઓને આડેહાથ લીધા હતા. પ્રદુષણ બંધ નહિ કરો તો ઉદ્યોગો બંધ કરવાની તૈયારી રાખવા ચીમકી આપી છે. આ ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગમાંથી નીકળતા કેમિકલ યુક્ત દુષિત પાણી સીધા ગટરમાં છોડી દેતા નદી નાળાઓ દુષિત થઇ રહ્યા છે.
નદીમાં મોટા પ્રમાણમાં માછલાઓ મૃત અવસ્થામાં નદીના પાણી પર તરતા જોવા મળે છે. ઓલપાડના સાયણ આશિત આજુબાજુના વિસ્તારોમાં પણ નાના મોટા 1500થી 200 ઓદ્યોગિક એકમો ઘણા ઓછા સમય માં સ્થાય થયા છે.આ તમામ ઉદ્યોગોમાંથી નીકળતા કેમિકલ યુક્ત દુષિત પાણી ખુલ્લે આમ વરસાદી પાણી નિકાલ માટેની કાશ ગટર તેમજ નાળાઓમાં છોડી દેવામાં આવતા હતા. જેને લઇ સાયણ સહિત આજુબાજુના ખલીપોર, સીવાણ સ્યાદલા સહિતના ગ્રામજનો દ્વારા મોટા પ્રમાણમાં ફરિયાદો કરવામાં આવી હતી જેને લઇ આજરોજ રાજ્યના પ્રયાવરણ મંત્રી મુકેશ પટેલ દ્વારા ઉદ્યોગકારોની એક બેઠક બોલાવી હતી.
ઉદ્યોગકારોને સ્પષ્ટ શબ્દોમાં સૂચનો આપી દેવામાં આવી હતી અને પાણી છોડવાનું બંધ નહી કરવામાં આવે તો મિલો બંધ કરી દેવા સુધીની ચીમકી પણ ઉચ્ચારી દેવામાં આવી હતી. ગ્રામજનોની વારંવારની ફરિયાદ અને વિરોધને લઇ જીપીસીબી પણ હરકતમાં આવ્યું હતું અને તાલુકા પંચાયતના સભ્યને સાથે રાખી સાયણ સહિત આજુબાજુના ગામોમાં મિલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અનેક મિલોમાં ક્ષતિ જોવા મળી હતી. મિલોમાં કેટલીક જગ્યાએ પરમીશન વગર બોર કરવામાં આવ્યા હતો તો કેટલી મિલોમાં કેમિકલ યુક્ત દુષિત પાણી સીધું ગટરમાં છોડવામાં આવી રહ્યું હતું. એક મિલમાં તો રીવર્સ બોરિંગ કરી કેમિકલ યુક્ત દુષિત પાણી સીધું ભૂગર્ભમાં ઉતરતા હોવાનું પણ મળી આવ્યું હતું.