રિપોર્ટ@સુરત: ખાડાઓથી કંટાળી ભાજપના આ ધારાસભ્યએ આપી ચીમકી, મ્યુ.કમિશનરને લખ્યો પત્ર
મ્યુ.કમિશનર પોતાના હોદ્દાઓનો ઉપયોગ કરી શક્તા નથી.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે ઉભા રહે છે. તેઓ અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે. ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાણાનીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે. સુરતમાં ખાડા રાજના ત્રાસને લઈ તેઓએ સુરત મ્યુ.કમિશનરને પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં લખ્યું કે, હાલ ચોમાસા દરમ્યાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. જે સહન કરી શકાય તેમ નથી.
લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છતા સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે. ઉંઘી રહ્યું છે. જે ખુબ જ દુઃખદ બાબત છે. તો યુધ્ધના ધોરણે રીપેર કરવા મારી માંગણી છે.ધારાસભ્ય કુમાર કાણાનીએ આ પત્ર વિશે લખ્યું કે, મ્યુ.કમિશનરનું અધિકારીઓ સાંભળતા નથી. મ્યુ.કમિશનરની બેદરકારી, સંકલનનો અભાવ અહીં જોવા મળી રહ્યો છે. બે દિવસની અંદર ખાડા પૂરવા કહ્યું છે. નહિ ખાડા પુરાય તો હું આગળ નો કાર્યક્રમ આપીશ. ખાડા તો પુરવા જ પડશે.
મ્યુ.કમિશનર પોતાના હોદ્દાઓનો ઉપયોગ કરી શક્તા નથી.કુમાર કાનાણી સતત સરકાર સામે પ્રજાના પ્રશ્નો લઈને અવાજ ઉઠાવતા રહે છે. તેઓ સરકાર અને સરકારી અધિકારીઓ સામે બેફામ બોલતા હોય છે. આ પહેલા તેઓ લોકસભાની ચૂંટણી દરમિયાના ભાજપના ભરતી મેળા પર સવાલો કર્યા હતા. તો આરોગ્ય વિભાગને ભેળસેળ રોકવા માટે રજૂઆત કરી હતી.