રિપોર્ટ@સુરત: કિમ નદીમાં આવેલા ઘોડાપૂરે તારાજી સર્જી, ખેડૂતોનો ઉભો પાક પાણીમાં તણાયો

 
સુરત
ખેતરોમાં તૈયાર થયેલો પાક નદીના પ્રચંડ પ્રવાહમાં ધોવાઈ ગયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત જિલ્લાના માંગરોળ પંથકમાંથી વહેતી કિમ નદીમાં આવેલા પૂરે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના મોંઘા પાક અને મહેનત પાણીમાં ગઈ છે, જેના કારણે અન્નદાતાઓની હાલત કફોડી બની ગઈ છે.અહીં ખેતરોમાં તૈયાર થયેલો પાક નદીના પ્રચંડ પ્રવાહમાં ધોવાઈ ગયો છે. શાકભાજીના ખેતરો, કેળના બગીચાઓ અને મોટા પાયે વાવેતર કરાયેલી શેરડીનો પાક સંપૂર્ણપણે નષ્ટ પામ્યો છે.

ખાસ કરીને ખેતરોમાં તૈયાર કરવામાં આવેલા પરવરના માંડવા પણ પૂરના પાણીમાં તણાઈ જવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.માંગરોળ તાલુકાના અનેક ગામોમાં કિમ નદીના પાણી ફરી વળતા તબાહીના દ્રશ્યો સર્જાયા છે. પૂરના પાણી ઓસર્યા બાદ ખેતરોમાં કાંપ અને કચરો જમા થઈ ગયો છે, જેથી આગામી પાક માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે. આ કુદરતી આફતથી પાયમાલ થયેલા ખેડૂતોએ સરકાર અને તંત્ર સમક્ષ વહેલી તકે નુકસાનીનો સર્વે કરી યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માગણી કરી છે.