રિપોર્ટ@સુરત: BJP કોર્પોરેટર વિવાદમાં, અપહરણ-કરોડોની મિલકતો પચાવી પાડવાનો ગંભીર આરોપ
એક બિલ્ડર (Builder) દ્વારા કોર્પોરેટર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતમાં ભાજપના કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. બિલ્ડરને માર મારી 95 લાખ રૂપિયા પડાવી લીધાનો, અપહરણ અને કરોડોની મિલકતો પચાવી પાડવાનો ગંભીર આરોપ કોર્પોરેટર પર થયો છે. આ મામલે પોલીસની કામગીરી સામે પણ બિલ્ડરે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. બિલ્ડરે પોલીસે ફરિયાદ નહીં લીધાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ દાવો કર્યો કે પોલીસે ગુનો દાખલ કરવાના બદલે માત્ર અરજી જ લીધી છે.સુરત શહેરમાં ભાજપનાં કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત વિવાદમાં સપડાયા છે.
એક બિલ્ડર દ્વારા કોર્પોરેટર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. બિલ્ડરના આરોપો પ્રમાણે, રૂ. 36 લાખ માટે કોર્પોરેટર અમિતસિંહે તેમના 7 સાગરિતો સાથે મળી બિલ્ડરનું અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ માર મારીને અને ધમકાવીને 4 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી 9 દુકાન લખાવી લીધી હતી. બિલ્ડર પાસેથી રૂ. 95 લાખ પણ પડાવી લીધા હતા. બિલ્ડરનું અપહરણ કરતા CCTV ફૂટેજ પણ હોવાનો દાવો બિલ્ડરે કર્યો છે.બિલ્ડરે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊઠાવ્યા છે.
બિલ્ડરે આરોપ લગાવ્યો છે કે, આ મામલે ગોડાદરા પોલીસ મથકે જઈ કોર્પોરેટર અમિતસિંહ અને તેમના સાગરિતો વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ ન લઈને માત્ર અરજી જ લીધી છે. CCTV ના પુરાવા હોવા છતાં પોલીસે ગુનો દાખલ નહિ કર્યા હોવાનો બિલ્ડરે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. અમિતસિંહ પૂર્વ શાસક પક્ષનાં નેતા પણ રહી ચૂક્યાં છે. જો કે, આ મામલો સામે આવતા સુરત BJP માં હડકંપ મચ્યો છે.