રિપોર્ટ@સુરત: MLA કુમાર કાનાણીએ સમીક્ષા બેઠકમાં ભષ્ટ્રાચારનો લગાવ્યો આક્ષેપ, કહ્યું 'અધિકારીઓ કોઈને ગાંઠતા નથી'

 
આક્સેપ

અધિકારીઓ કોઈને ગાંઠતા નથી અને વચેટીયાઓ અને દલાલો કામ કરીને અધિકારીને ખુશ કરે છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના વરાછા રોડ વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લોકોને પડતી સમસ્યાને લઈને અવારનવાર બાંયો ચડાવે છે.ત્યારે સમીક્ષા બેઠકમાં કુમાર કાનાણી આકરા પાણીએ હતા,તેમણે ધારાસભ્યોની સમીક્ષા બેઠકમાં કહ્યું કે, કામને લઈ અધિકારીઓ કોઈને ગાંઠતા નથી અને મનફાવે તેવું વર્તન કરી રહ્યાં છે.

ધારાસભ્ય કુમાર કાનાણી નાનાથી લઈ મોટા માણસોને પડતી સમસ્યાને લઈ અવાર-નવાર ચર્ચામાં રહે છે,દર મહિને જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા યોજવામાં આવે છે,જેમાં જે તે વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો તેમના વિસ્તારમાં રહેતી સમસ્યાઓની ચર્ચા કરતા હોય છે અને તેના આધારે કામ કરવામાં આવતા હોય છે.ત્યારે તેઓએ કહ્યું કે અધિકારીઓ કોઈને ગાંઠતા નથી અને વચેટીયાઓ અને દલાલો કામ કરીને અધિકારીને ખુશ કરે છે. કુમાર કાનાણીએ અધિકારીઓના ભષ્ટ્રાચારને લઈ વાત કરી કે,સરથાણા ઝોન વચેટીયાઓ અને દલાલોનો અડ્ડો બન્યો છે. વરાછા ઝોન-બી સરથાણા ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો આરોપ લગાવ્યો છે. સંકલનમાં રજૂ કરેલા એક પણ કામ થતા નથી તેવો આરોપ પણ કરવામાં આવ્યો છે.

ફરી એક વખત ધારાસભ્યએ પોતાના મનની વાત મૂકી હતી. ધારાસભ્ય કુમાર કાનાણી વખતોવખત લેટર લખી લોકોના પ્રશ્નોને સત્તા પક્ષ સામે ઉજાગર કરતા હોય છે. જરૂર જણાય તો જે તે વિભાગના અધિકારીઓને પણ પત્ર લખી લોકોને પડતી અગવડતાઓ જણાવતા હોય છે. તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માગ કરતા હોય છે. ત્યારે ધારાસભ્યની આ કામગીરીને લઈ લોકો તેમને પ્રજાના સાચા સેવક પણ ગણે છે.