રીપોર્ટ@સુરત: પાટીદાર સમાજે પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું, જાણો શું છે સમગ્ર મામલો?

 
ઘટના

'જો દીકરી નહીં મળે તો પાટીદાર સમાજ ઉગ્ર આંદોલન છેડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષની એક સગીરા છેલ્લા 35 દિવસથી રહસ્યમય રીતે ગુમ થઈ છે. લાંબો સમય વીતવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પરિણામ ન મળતા આજે પાટીદાર સેવા સંઘ દ્વારા મોટી સંખ્યામાં લોકો સાથે સરથાણા પોલીસ મથકે પહોંચી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, ગુમ થયેલી 17 વર્ષીય સગીરા મૂળ વતનની છે અને તેના માતા-પિતા ગામડે રહે છે, જ્યારે તે સુરતના સરથાણા વિસ્તારમાં તેના કાકા સાથે રહીને અભ્યાસ કરતી હતી. 35 દિવસ પહેલા કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હોવાની શંકા સેવાઈ રહી છે.

આ અંગે પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ એક મહિનો વિતવા છતાં દીકરીની કોઈ ભાળ મળી નથી.આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા એક મહત્વની મીટિંગ યોજવામાં આવી હતી, ત્યારબાદ સેંકડો લોકોના ટોળા સાથે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. પાટીદાર આગેવાન ધાર્મિક માલવિયાએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, "તપાસ અધિકારીની બેદરકારીને કારણે આટલા દિવસો વીતી ગયા છે. જો પોલીસે શરૂઆતથી ગંભીરતા દાખવી હોત તો અત્યાર સુધીમાં દીકરી પરત આવી ગઈ હોત અને આરોપી પણ જેલના સળિયા પાછળ હોત."

સમાજના આગેવાનોએ પોલીસને ચીમકી આપતા જણાવ્યું છે કે, "અમે પોલીસ પ્રશાસનને 24 કલાકનો સમય આપીએ છીએ. જો આવતીકાલ સુધીમાં કોઈ સચોટ પરિણામ નહીં મળે, તો સમાજના લોકો ફરી મોટી સંખ્યામાં ભેગા થશે અને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે." બીજી તરફ, સરથાણા પોલીસ મથકના અધિકારીઓએ લોકોને શાંત પાડતા જણાવ્યું હતું કે, અમારી વિવિધ ટીમો સતત કાર્યરત છે અને શંકાસ્પદ સ્થળો પર વોચ રાખવામાં આવી રહી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સગીરાને શોધવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરતમાં સતત વધી રહેલા અપહરણ અને ગુમ થવાના કિસ્સાઓ વચ્ચે આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.