રિપોર્ટ@સુરત: માંગરોળ દુષ્કર્મના ત્રણેય આરોપીઓ પોલીસને જોઈને ભાગવા જતા કર્યું ફાયરિંગ
ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના માંગરોળમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. સગીરાને પીંખનાર પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી તેની શોધમાં હતા. ત્યારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી.જ્યાં ત્રણેય આરોપીઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું.
જેમાં કોઈને ઈજા નથી થઈ. આ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો છે, જેને પકડવા કામગીરી ચાલુ છે. ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપી ઉત્તરપ્રદેશનો છે. સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે મંગળવારે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાંની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો.
આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી. સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી હતી.