રીપોર્ટ@સુરત: પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 2ના મોત, કતારગામમાં 40થી વધુ બાળકો બીમાર

 
સુરત
તંત્રમાં અનેકવાર ફરિયાદો કરવા છતાં યોગ્ય સફાઈ કે નિકાલની કામગીરી ન કરાતા સ્થાનિકોમાં રોષ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે, જેના કારણે શહેરમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. તાવની બિમારીમાં સપડાયેલા બે નાગરિકોના મોત નીપજ્યા છે.જ્યારે અનેક વિસ્તારોમાં રોગચાળો વકરતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરમાં વધી રહેલા જીવલેણ રોગચાળાને કારણે પાંડેસરા વિસ્તારમાં 24 વર્ષીય યુવતી અને ભેસ્તાન વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળકીએ તાવની બિમારીના કારણે સારવાર દરમિયાન પોતાના પ્રાણ ગુમાવ્યા છે.આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રોગચાળાની ગંભીરતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, કતારગામ સ્થિત એક જ ટેનામેન્ટ પરિસરમાં અચાનક 40 થી 50 જેટલા બાળકો ગંભીર બીમારીમાં સપડાઈ ગયા છે. નાના બાળકોમાં વાયરલ ઇન્ફેક્શન સાથે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ગંભીર રોગોના લક્ષણો સામે આવ્યા છે. જેને કારણે વાલીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. બાળકો ઉપરાંત વડીલો અને યુવાનો પણ ચિકનગુનિયા તથા તીવ્ર સાંધાના દુખાવાની પક્ડમાં આવી ગયા છે.

ટેનામેન્ટ પરિસરમાં વરસાદી અને ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. લાંબા સમયથી પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. પાલિકા તંત્રમાં અનેકવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં યોગ્ય સફાઈ કે નિકાલની કામગીરી ન કરાતા આ રોગચાળો વણસ્યો હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં હાલ તાવ, ઉલટી-ઉબકા અને શરીરના કળતરથી પીડાતા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.