રીપોર્ટ@સુરત: મહિલા કોર્પોરેટરે ટ્રાફિક અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્રને આપી 7 દિવસની ચીમકી
ભાજપ શાસકો જ તંત્ર સામે લાલઘૂમ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ સુરત પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને સીધી ચીમકી આપતાં રાજકારણ ગરમાયું છે. તેમણ પત્રમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ટ્રાફિક અને આડેધડ દબાણોના કારણે સમગ્ર વિસ્તારના અંદાજે 10 લાખ જેટલા લોકો રોજ નરક જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્રની ઉદાસીનતા હવે હદ વટાવી ચૂકી છે.
તેમણે અલ્ટીમેટમ આપતા લખ્યું છે કે, આગામી 7 દિવસમાં જો ટ્રાફિક અને દબાણની આ ગંભીર સમસ્યા દૂર કરવામાં નહીં આવે, તો તેઓ પોતે સ્થાનિક જનતાને સાથે રાખીને રસ્તા પર ઉતરશે અને જાતે રોડ ખુલ્લા કરાવશે. મહત્વનું છે કે સુરતમાં ટ્રાફિક અને લારી-ગલ્લાના દબાણો લાંબા સમયથી માથાનો દુખાવો બન્યા છે.
બે દિવસ પહેલા જ ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સોશિયલ મીડિયા પર અને તંત્ર સમક્ષ આ મુદ્દે આકરા સવાલો ઉઠાવી નારાજગી વ્યક્ત કરી હતી. હવે ભાજપના જ અન્ય એક મહિલા જનપ્રતિનિધિએ તંત્રને આરપારની લડાઈની ચેતવણી આપતા સુરત મહાનગરપાલિકા અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.

