રીપોર્ટ@સુરેન્દ્રનગર: લાંચ કૌભાંડમાં મોટો ખુલાસો ડે.મામલતદારની ડાયરીમાંથી સવા કરોડની લાંચનાં હિસાબો મળ્યા

 
કૌભાંદ
લાંચ અપાવનાર વચેટીયાઓના નામ કે કોડવર્ડનો પણ ખુલાસો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ, ના. મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેકટરનાં પીએ જયરાજસિંહ ઝાલા અને કલાર્ક મયુર ગોહિલને ત્યા એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટની ટીમના દરોડા બાદ થોકબંધ સાહિત્ય મળી આવ્યુ છે. ના. મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસેથી સર્વે નંબર પ્રમાણે લેવાયેલ લાંચની કથીત યાદી મળી આવી છે અને જેમા સરકારી કંપનીઓ પાસેથી પણ મસમોટા તોડના આંકડા મળી આવ્યા છે.તેમજ આ લાંચ અપાવનાર વચેટીયાઓના નામ કે કોડવર્ડનો પણ ખુલાસો થયો છે.

રાજયની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા નોંધાયેલ કેસમા આ તમામ મુદાઓ સાંકળી લેવાયા છે. નાયબ મામલતદાર મોરી પાસેથી મળેલી ડાયરી મુજબ સરકારી કંપની એનટીપીસી રીન્યુએબલ એનર્જી લી. ને સોલાર પ્રોજેકટ માટે જમીન ફાળવવામા આવી હતી. સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી તાલુકાનાં રાસકા ગામના સર્વે નં. 89/પી1, 89, 70 અને 103 ની અનુક્રમે 19475, 18354, 48873 અને 18616 ચો. મી. જમીન ઔધોગિક હેતુ માટે બિનખેતી કરી કલમ 65 (બ) હેઠળ સોલારનાં ઔધોગિક હેતુ માટે બાંધકામ કરવાની મંજુરી કલેકટર કચેરી દ્વારા આપવામા આવી હતી જે અંતર્ગત વચેટીયા 'કે.કે.' હસ્તે 5.10 લાખની રકમનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.

આવી જ એક કંપની જેએસડબલ્યુ રીન્યુએબલ એનર્જી અંજાર લી. દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ તાલુકાનાં મોરથાળા ગામનાં સર્વે નં. 683 પૈકી 1 અને 683 પૈકી 2 તેમજ 681 હસ્તકની આશરે 26000 ચો. મી. જેટલી જમીન પર બીનખેતીની મંજુરી આપવામા આવી હતી. આ પ્રકરણ માટે વચેટીયા 'ગળચર' હસ્તક 2.50 લાખની રકમનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.ઇડીને હાથ લાગેલી ડાયરી મુજબ અલગ અલગ 43 સર્વે નંબરની જમીનનાં પ્રકરણ કલેકટર કચેરીમાથી મંજુર કરાવવા માટે કુલ 64,09,500 ની લાંચ લેવામા આવી હતી.

તેમજ અન્ય ડાયરીમાથી 60,92,000 ની લાંચનો હિસાબ મળ્યો છે. આમ કુલ 1,25,01,500 ની લાંચની યાદી હાથ લાગી છે.
આ ડાયરીમા જે વ્યકિત હસ્તક વહીવટ કરવામા આવ્યો હોય તેના નામ પણ ઉલ્લેખ કરાયા છે જેમા અમુક જગ્યાએ કોડવર્ડનો વપરાશ કરાયો છે. જેમ કે એચ. એમ., એન.જી., એસ.જે., કે.કે., એચ.પી. લીમ વગેરે. આ ઉપરાંત આ યાદીમા 'ગૌતમભાઇ', 'જયપાલસિંહ', 'ચેતન', 'પાસાભાઇ', 'સિરાજભાઇ','નિલેશભાઇ', 'બી.જે.એમ.', 'ગળચર', 'કાનાભાઇ', 'આશિષ ઉમિયા', 'રાકેશભાઇ અમદાવાદ' અને સંજયસિંહ તથા મિતુલભાઇ અને મેહુલભાઇનો નામજોગ ઉલ્લેખ કરાયો છે.