રીપોર્ટ@સુરેન્દ્રનગર: જમીન એનએ કૌભાંડમાં જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની સઘન પૂછપરછ બાદ ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગરના જમીન એનએ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા તત્કાલિન જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની સઘન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. રાજેન્દ્ર પટેલની તેમના નિવાસ્થાને મોડી રાતથી વહેલી સવાર સુધી સઘન પછપરછ કરવામાં આવી હતી. જેમાં ઇડીની ત્રણ ટીમો જોડાઇ હતી. ગત 23 ડિસેમ્બર 2025ના રોજ પાડવામા આવેલા દરોડામાં અને મહત્વપૂર્ણ દસ્તાવેજો તપાસ એજન્સીના હાથે લાગ્યા હતા. ત્યારબાદ તપાસનો દોર તેજ કરવામાં આવ્યો હતો.
આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે EDની ટીમે 23 ડિસેમ્બરે સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ચંદ્રસિંહ મોરીના બેડરૂમમાંથી રોકડા 67.50 લાખ રૂપિયા મળી આવ્યા હતા, જે PMLAની કલમ 17 હેઠળ જપ્ત કરવામાં આવ્યા હતા. ચંદ્રસિંહ મોરીએ ED સમક્ષ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું હતું કે આ રકમ જમીનની બિનખેતી કરાવવાની અરજીઓના ઝડપી અને સાનુકૂળ નિકાલ માટે અરજદારો પાસેથી સીધી રીતે અથવા વચેટિયાઓ મારફતે લેવાયેલી લાંચની રકમ હતી.
આ દરોડા દરમિયાન મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ પુરાવાઓ અને નાણાકીય વ્યવહારો સંબંધિત વિગતો એકત્રિત કરવામાં આવી હતી, જેના આધારે પૂર્વ કલેક્ટરની પૂછપરછનો દોર શરૂ થયો હતો.આ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ કબૂલ્યું છે કે જમીનની ફાઈલો ક્લિયર કરવા માટે પ્રતિ ચોરસ મીટર 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. માત્ર એટલું જ નહીં, તેમણે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાની આ કૌભાંડમાં સીધી સંડોવણી હોવાનો અને લાંચમાં ભાગીદાર હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો છે. આ ઉપરાંત, ACBમાં નોંધાયેલી ફરિયાદમાં પણ ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધાનું અને તેમાં ઉપરોક્ત અધિકારીઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

