રીપોર્ટ@સુરેન્દ્રનગર: જમીન બિનખેતી કૌભાંડમાં ED દ્વારા કાર્યવાહી તેજ થતાં તંત્રમાં હડકંપ, વધુ નામો બહાર આવવાની શક્યતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવેલા જમીન બિનખેતી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કાર્યવાહી તેજ થતાં વહીવટી તંત્રમાં હડકંપ મચ્યો છે. પૂર્વ કલેક્ટર અને નાયબ મામલતદારની ધરપકડ બાદ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.કૌભાંડની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવતા જ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બદલીઓ કરવામાં આવી છે. પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના અંગત સચિવ જયરાજસિંહ ઝાલાની મુળી ખાતે બદલી કરાઈ છે. સાથે જ કલેક્ટર કચેરીના ક્લાર્ક મયુરસિંહ ગોહિલને ધ્રાંગધ્રા ખાતે મોકલવામાં આવ્યા છે. આ બદલીઓથી તંત્રમાં હલચલ જોવા મળી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જમીનને બિનખેતી કરવાની પ્રક્રિયામાં લાંચની રકમનું નિયમિત વહેંચાણ થતું હતું. સૂત્રો અનુસાર આ ગેરકાયદેસર વ્યવહારમાં વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ સુધી નિશ્ચિત ટકાવારી પહોંચાડવામાં આવતી હતી. કેટલાક કર્મચારીઓને લાંચમાંથી ભાગ મળતો હોવાની વિગતો પણ સામે આવી છે. આ ખુલાસાઓએ ભ્રષ્ટાચારના વ્યાપને સ્પષ્ટ કર્યો છે.આ કૌભાંડ બહાર આવતાં મહેસૂલ વિભાગની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભાં થયા છે. ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચારની સંડોવણી હોવાની શંકા વધુ મજબૂત બની છે.
સરકાર માટે આ ઘટના પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી સાબિત થઈ રહી છે.હાલમાં પૂર્વ કલેક્ટર અને નાયબ મામલતદાર જેલમાં છે, જ્યારે ED દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. મની લોન્ડરિંગ અને બેનામી મિલકતો અંગે મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સુરેન્દ્રનગરમાં જમીન વ્યવહારોમાં કરોડો રૂપિયાના ગેરવહીવટ થયાની આશંકા છે. આવનારા દિવસોમાં તપાસની દિશા પર સૌની નજર ટકેલી છે.

