રીપોર્ટ@સુરેન્દ્રનગર: વાચ્છડાદાદાનાં દર્શને ગયેલા 100થી વધુ શ્રદ્ધાળુઓ કાદવમાં ફસાયા
આઠ ગાડીઓ અને એક લક્ઝરી બસ કાદવમાં ફસાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઝીંઝુવાડા રણમાં વાચ્છડાદાદાની જગ્યાએ દર્શન કરવા ગયેલા 100થી વધુ શ્રદ્ધાળુઓ કાદવમાં ફસાયા હતા. આઠ ગાડીઓ અને એક લક્ઝરી બસ ફસાઈ જતાં, ઝીંઝુવાડાના સરપંચ અને સ્થાનિક યુવાનોએ ટ્રેક્ટરની મદદથી આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ચોમાસું પૂરું થયા બાદ ઝીંઝુવાડાના રણમાં વાછડાદાદાની ઐતિહાસિક જગ્યાએ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે મહેસાણા અને કડી સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓની ચાર ઈકો ગાડી, ચારથી પાંચ નાની ગાડીઓ અને એક લક્ઝરી બસ રણમાં વરસાદને કારણે કાદવમાં ફસાઈ ગઈ હતી.
વાછડાદાદાની જગ્યાના વિજુભા ઝાલાને ઘટનાની જાણ થતાં તેમણે પોતાના સ્વયંસેવકોની ટીમને સ્થળ પર મોકલી હતી. બીજી તરફ, ઝીંઝુવાડાના યુવા સરપંચ હરીભા ઝાલા સહિતના યુવાનો ટ્રેક્ટરો સાથે રણમાં દોડી ગયા હતા. તેમણે ત્રણથી ચાર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ લોકોને કાદવમાંથી બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. રણમાંથી બચાવી લેવાયેલા તમામ 100 જેટલા શ્રદ્ધાળુઓને મોડી રાત્રે ઝીંઝુવાડા રાજેશ્વરી માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમના માટે ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી.

