રીપોર્ટ@તાપી: આદીજાતી શાળાઓમાં કરીયાણાના કોન્ટ્રાક્ટમાં વર્ષોથી ટેન્ડર નહિ, મંત્રીએ માંગી વિગતો

 
Tapi
સરકારે ઈ માર્કેટપ્લેસની શરૂઆત કરી પરંતુ તેમાં ટેન્ડરની મુશ્કેલી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

તાપી જિલ્લામાં આવેલી વિવિધ આશ્રમ શાળાઓમાં વર્ષે કરોડો રૂપિયાની કરીયાણાની ચીજવસ્તુઓ ખરીદવામાં આવે છે. આ ખરીદી તાપી જિલ્લા સેવા સદનમાં આવેલી આદીજાતી વિકાસની કચેરી દ્વારા થાય છે ત્યારે સૌથી મોટો ઘટસ્ફોટ આવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી એક જ એજન્સી પાસેથી ખરીદી જાળવી રાખવા ટેન્ડર વગર સીધું રીન્યુ કરવામાં આવી રહ્યું છે. એકબીજાની મિલીભગતથી ચાલતું આ બેફામ કૌભાંડ નથી તેવું કહેવા મોટી દલીલ થઈ રહી છે. ખરીદી માટે એન પ્રોક્યોર અને ઈ માર્કેટપ્લેસ અંગે ટેકનિકલ દલીલ કરી વર્ષોથી એક જ એજન્સીએ કોન્ટ્રાક્ટ આપ્યો છે‌. સમગ્ર મામલે જાણકારી મળતાં મંત્રી હળપતિએ તાત્કાલિક વિગતો માંગી છે. જાણીએ રીપોર્ટ.

તાપી જિલ્લા કલેક્ટર કચેરીમાં મદદનીશ કમિશ્નર, આદીજાતી વિકાસની કચેરી હેઠળ આવતી અનેક હોસ્ટેલમાં ભોજનની વસ્તુઓ મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આ કચેરી હેઠળની શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ છે ત્યારે સરકારે રહેવા સાથે જમવાની પણ વ્યવસ્થા કરેલી છે. આથી તાપી જિલ્લા આદીજાતી વિકાસની કચેરીએ ચારથી પાંચ વર્ષ અગાઉ દરેક હોસ્ટેલમાં કરીયાણાની ચીજવસ્તુઓ પહોંચાડવા ટેન્ડર કર્યું હતુ. આ ટેન્ડર જે તે સમયે એન પ્રોક્યોર ઉપર કરેલું હતું અને ત્યારબાદ સરકારે ઈ માર્કેટપ્લેસની પણ વ્યવસ્થા કરી છે. હવે આ કચેરીમાં અનેક મદદનીશ કમિશ્નર બદલાઇ ગયા પરંતુ જૂના ટેન્ડરનો સમયગાળો પૂર્ણ થતાં નવું ટેન્ડર કર્યું નહી. જૂનું ટેન્ડર રિન્યુ કરી ચલાવી રાખ્યું અને દલીલ એવી દલીલ મૂકી કે જેથી નવું ટેન્ડર કરવું પડે નહી. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તબક્કાવાર બદલાઇ ગયેલા મદદનીશ કમિશ્નરે જૂની એજન્સીને ચાલુ રાખવા દલીલ મૂકી કે, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર કરીયાણાની ચીજવસ્તુઓના ટેન્ડરમાં મુશ્કેલી છે. આ બાબતે હકીકત જાણવા તાપી કચેરીના અધિકારી થોરાટને પૂછતાં જણાવ્યું કે, અગાઉ એન પ્રોક્યોર ઉપર એજન્સી મંજૂર થયેલ અને પછી સરકારે ઈ માર્કેટપ્લેસની શરૂઆત કરી પરંતુ તેમાં ટેન્ડરની મુશ્કેલી છે. આથી તૈયાર ભોજનના ટેન્ડર માટે સરકારને રજૂઆત કરેલી છે. અગાઉના અધિકારીઓએ જૂની એજન્સીને યથાવત રાખી એ બાબતે ભૂતકાળના અધિકારીઓની ભૂમિકા બાબતે તપાસ ચાલુ છે. મંત્રીએ વિગતો માંગી કે કેમ? એ બાબતે કહ્યું કે, અમોએ સરકારમાં નવા ટેન્ડર માટે રજૂઆત કરેલી છે તેમ કહ્યું હતુ.