રિપોર્ટ@વડોદરા: પૂર બાદ પાટિલ સહિત કેન્દ્રના કોઈ મંત્રી ન ફરકતાં લોકોમાં રોષ, કોર્પોરેટરો અંદરો અંદર બાખડ્યા

 
પાટીલ
સિનિયર નેતાઓ પણ તમાશો જોઇ રહ્યા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાં પૂરની પરિસ્થિતિ તા.26 મીની રાતથી શરૂ થઇ હતી જેને આજે 12 દિવસનો સમય વિતી ગયો છે આજે પણ લોકો પૂરના ખોફમાંથી બહાર આવી શક્યા નથી. હજી પણ અનેક બહુમાળી ઇમારતોના બેઝમેન્ટમાં પૂરના પાણી ઉલેચવાનું ચાલુ છે. બીજીબાજુ ભાજપના આગેવાનો વચ્ચેની જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે એટલું જ નહિ ભાજપના કોર્પોરેટરો પણ અંદરો અંદર બાખડી રહ્યા છે. કેટલાક જગ્યાએ વિરોધ થયો છે તેમાં પણ ભાજપ વિરૂઘ્ધ ભાજપ ના કાર્યકર્તાઓની લડાઇ જામી છે અને સિનિયર નેતાઓ પણ તમાશો જોઇ રહ્યા છે.

લોકો પૂરના પાણીને કારણે  માનસિક રીતે પણ ભાંગી પડ્યા છે.  પૂરની પરિસ્થિતિ દરમ્યાન ચાર દિવસ સુધી લોકો ફસાયા હતા ભાજપના સાંસદ, મોટાભાગના  ધારાસભ્ય અને કોર્પોરેટરો  તેમના વિસ્તારમાં સક્રિય રહ્યા નહીં અને પાણી ઓસરતા લોકોની મદદ માટે પહોંચ્યા ત્યારે લોકોના આક્રોશ ભોગ બનવાનો વારો આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી પણ પૂરની પરિસ્થિતિ બાદ પ્રથમ વખત વડોદરા આવ્યા ત્યારે સયાજીગંજ પરશુરામના ભઠ્ઠા વિસ્તારમાં લોકોના રોષનો ભોગ બન્યા હતા. પૂરની પરિસ્થિતિ દરમ્યાનમાં ભાજપ દ્વારા કોઇ મદદ લોકો સુધી પહોંચી નહીં જેથી ભારે રોષ વ્યાપ્યો હતો.

પૂરના પાણી  ઉતર્યા તે બાદ ભાજપ દ્વારા રાહત સામગ્રી કીટ અને સરકાર તરફથી કેશડોલ આપવાની શરૂ થઇ તેમાં પણ વહાલાદવલાની નીતિ અપનાવતા હાલમાં પણ લોકોમાં રોષ વ્યાપ્યો છે એટલું જ નહીં વિપક્ષ નેતાએ આક્ષેપ પણ કર્યો હતો કે, સરકારી સહાયની રકમ આપવામાં આવે છે તે ગરીબ મઘ્યમ વર્ગની મજાક ઉડાવ્યા બરાબર છે.ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ કક્ષાના કાર્યકર્તાઓ વચ્ચે શરૂઆતથી જ સંકલન હોતુ નથી અને આંતરિક નાના-મોટા વિવાદો ચાલતા રહેતા હોય છે. કેટલીક જગ્યાએ તો ભાજપના કોર્પોરેટરો જ અંદરો અંદર બાખડ્યા છે.મુખ્યમંત્રી પણ એક વખત ઉડતી મુલાકાતે આવીને  જતા રહ્યા હતા.  ગૃહ રાજ્યમંત્રી ત્રણ વખત આવ્યા પરંતુ પહેલી વખત પરશુરામના ભઠ્ઠામાં લોકોના રોષનો ભોગ બન્યા તે પછી લોકોને મળવાનું ટાળ્યું હતું અને રાત્રે મુલાકાત લીધી હતી. અન્ય એક દિવસ સીધા જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી વિદાય થઇ ગયા હતા.