રીપોર્ટ@વડોદરા: બ્રિજ દુર્ઘટના મામલે કોંગ્રેસ, આપ સહિતે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી

 
દુર્ઘટના
બ્રિજ તૂટી પડવાની ઘટનાને દુર્ઘટના નહીં સરકારની બેદરકારીનું પરિણામ ગણાવ્યું

​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. આ દુર્ઘટના બાદ કોંગ્રેસ, આપ અને શંકરસિંહ સહિતે ભાજપ સરકારની ઝાટકણી કાઢતાં મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. કોંગ્રેસે ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને દુર્ઘટના નહીં પણ સરકારની બેદરકારીનું પરિણામ ગણાવ્યું છે.

ગુજરાત આપના પ્રમુખ ઇશુદાન ગઢવીએ ભાજપ સરકારને ભ્રષ્ટ ગણાવતાં મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર પોતાનો સંદેશ આપતાં કહ્યું હતું કે પાદરાના મુજપુર પાસે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે સરકાર અને ભાજપના નેતાઓને મારો એક સવાલ છે. ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમે સારી વ્યવસ્થા આપો, અને વ્યવસ્થા આપવાના બહાને તે તમને નાણા આપે. એ નાણા ભ્રષ્ટાચાર કરીને તમે ખાઇ જાવ અને મરે પણ જનતા.ભાજપના રાજમાં નિર્દોષ જનતાના જીવની કોઈ કિંમત નથી. આ જનતા ક્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે. આ સાથે સાથે અમે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે ભોળપણથી રાજનીતિ ચાલતી નથી, ભોળપણથી ઘર પણ નથી ચાલતું. જો તમે આ રાજ્ય ચલાવવા માટે સક્ષમ ન હોવ તો તમારે રાજીનામું આપી દેવું જોઇએ.

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ માત્ર એક દુર્ઘટના નહીં, પરંતુ ગુજરાત સરકારની ગંભીર બેદરકારીનું પરિણામ ગણાવી છે. બ્રિજ જોખમી હોય તો તેને બંધ કરવો જોઈએ.