રિપોર્ટ@વડોદરા: મનરેગા યોજનામાં મસમોટું કૌભાંડ, 50 મજૂરોના નામે જોબકાર્ડ બનાવી પૈસા પડાવ્યા

 
કૌભાંડ

કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મોટુ કૌભાંડ સામે આવ્યું છે. સમસાબાદ ગામમાં મૃતક સહિતના 50 લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યું અને તેમના ખાતામાં જે પૈસા આવ્યા તે બારોબાર ઉપાડી લેવામાં આવ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા ગંગાબેન પાટણવાડિયાનું આ કૌભાંડીઓએ જોબકાર્ડ બનાવ્યું. કાગળ 75 દિવસની હાજરી બતાવી કામ બતાવ્યું અને પછી જે પૈસા મળ્યા એ ઉપાડી લીધા.આ રીતે 17 હજાર 925 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા.

આવી જ રીતે 50 -50 લોકો, જેમણે કામ કર્યું છે પરંતુ આજ દિવસ સુધી તેમને જોબકાર્ડ કે ATM કાર્ડ નથી આપવામાં આવ્યા. ગામના જ તત્કાલીન તલાટી ઊર્મિલાબેન શાહ, સરપંચ કિશન રાઠોડે ગામના 50 લોકોની યાદી બનાવી જોબ કાર્ડ બનાવ્યા હતા, જેમાં મૃતક ગંગાબેનનુ પણ જોબકાર્ડ બન્યું હતું. જે બાદ કૌભાંડીઓ ગંગાબેનના અશિક્ષિત પુત્ર પાસેથી જોબકાર્ડ અને ATM કાર્ડ અધિકારીને બતાવવાનું છે એમ કહી લઇ ગયા હતા. ત્યારે ખાતામાંથી ATM કાર્ડથી રૂપિયા ઉપાડી જતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.

સરકારે TDO સહિત ત્રણ કર્મચારીઓની બદલી કરી દીધી છે. કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવાના બદલે TDO, સરપંચ અને તલાટીએ મળી ફરિયાદીને રૂપિયા પરત કરવાની નોટિસ કરી, શંકાના દાયરામાં રહેલા TDO માધુરીબેન પટેલને જ ફરિયાદી બનાવતાં અનેક સવાલો ઉઠ્યા છે. મોટી વાત એ છે કે, TDOની બદલી કરાઈ પણ સસ્પેન્ડ ન કર્યા. આ કૌભાંડ પર સમસાબાદના ડેપ્યુટી સરપંચે નિવેદન આપ્યું છે. તેમનો દાવો છે કે, તેઓ કૌભાંડ વિશે કાંઈ જાણતા નથી. તેઓ સરપંચ અને તલાટી સાથે વાત કરી લેશે. ડેપ્યુટી સરપંચનું કહેવું છે કે, ગ્રામજનોએ કામ કર્યું છે તો તેમને પૈસા મળવા જોઈએ.