રિપોર્ટ@વડોદરા: ભાજપ કોર્પોરેટરનો વિરોધ, મંજૂરી વિના સર્કલ બનાવી પોતાની કંપનીનું નામ જોડી દઈ ગેરકાયદેસર કૃત્ય કર્યું

 
વિરોધ
ચારે બાજુ રેડિયમ સ્ટીકર લગાવી દઈ અનોખો વિરોધ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરાના ખાનગી બિલ્ડરે કોર્પોરેશનની કોઈ પણ જાતની પરવાનગી વિના સર્કલ બનાવી દઈ ચાર રસ્તાને પોતાની કંપનીનું નામ સર્કલ સાથે જોડી દઈ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે. જે અંગે તાજેતરમાં મળેલી કોર્પોરેશનની સભામાં ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ વિરોધ કર્યો હતો. તેમ છતાં કોર્પોરેશનને તે સર્કલ પરથી કંપનીનું નામ નહીં હટાવતા આજે ભાજપ કોર્પોરેટરે સ્થળ પર પહોંચી જઈ બિલ્ડરની કંપનીના નામ પર રેડિયમ સ્ટીકર લગાવી દઈ અનોખી રીતે વિરોધ કર્યો હતો.

વડોદરા શહેરમાં તાજેતરમાં મનીષા ચાર રસ્તા પર વર્ષોથી વડોદરાના સ્વાતંત્ર્ય સેનાની ગોરધનભાઈ પટેલના નામથી મશાલ સર્કલ ડેપ્યુટી મેયરની સૂચનાથી તોડી પાડવામાં આવ્યું અને અન્ય કોઈ વ્યક્તિને તે જગ્યા પર સર્કલ બનાવવા માટે કહી દેવામાં આવ્યું હતું. તે સમયે પણ કોર્પોરેશનની કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી. આ કિસ્સા બાદ વડોદરા શહેરમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં નવા ઉમેરાયેલા વિસ્તારોમાં કેટલાક બિલ્ડરોએ પોતાની કંપનીના નામથી સર્કલો બનાવી દીધા હતા. જે અંગેનો વિરોધ ભાજપના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર નીતિન દોંગા તથા શ્રીરંગ આયરેએ કર્યો હતો.

વડોદરા કોર્પોરેશનની સભામાં વોર્ડ નંબર 10 ના ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ ગોત્રી ગામ પાસે યસ કોમ્પ્લેક્સ ચાર રસ્તા પર સન સીટીના નામથી એક બિલ્ડરે કોર્પોરેશનમાં કોઈપણ જાતની પરવાનગી લીધા વિના સર્કલ બનાવી દીધું છે તે હટાવી દેવાની જરૂર છે. આ રજૂઆત બાદ પણ કોર્પોરેશન દ્વારા કોઈ પગલા આજદિન સુધી લેવામાં નહીં આવતા આજે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરએ સ્થળ પર પહોંચી જઈ સર્કલ પર જ્યાં સનસીટી કંપનીનું નામ હતું તેની ચારે બાજુ રેડિયમ સ્ટીકર લગાવી દઈ અનોખો વિરોધ હતો.