રીપોર્ટ@વઘઈ: સોલાર સંપસેટ ખરીદીમાં ભ્રષ્ટાચાર, નિયમોનો ઉલાળીયો, ભાવ હરિફાઈ જાણી ચોંકી જશો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
વઘઈ તાલુકા પંચાયતે તાજેતરમાં કરેલી ખરીદ પ્રક્રિયામાં પૂર્વ આયોજિત વેપારના ફિક્સિંગની બૂમરાણ મચી છે. સરેરાશ 85 લાખના ઓનલાઇન ટેન્ડર મારફતે સોલાર સંપસેટ ખરીદવા ટીડીઓના માર્ગદર્શન હેઠળ મદદનીશ ઇજનેરે પ્રક્રિયા કરી પરંતુ વિગતો જાણી ચોંકી જશો. જ્યારે શરૂમાં પૂછ્યું ત્યારે મદદનીશ ઇજનેરે જણાવ્યું કે, ટીડીઓએ ઓટીપી માંગ્યા અને આપ્યા સિવાય કંઈ ખબર નથી. આ તરફ આર.એ પ્રક્રિયામાં ભાવની હરિફાઈ બનાવટી એટલે કે સેટિંગ્સવાળી રહી છે. એલ3 માં આવેલી એજન્સીએ તો બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કર્યા. જ્યારે મૂળ બીડ વેલ્યુથી માત્ર ગણતરીની રકમ વચ્ચે ભાવ ડાઉન કર્યા. આનાથી સૌથી મોટો સવાલ થાય કે, સોલારની વસ્તુ છતાં જેડાની જોગવાઈ કેમ નહિ? સેટિંગ્સવાળા ટેન્ડરનો ઘટસ્ફોટ જાણીએ.
ડાંગ જિલ્લા પંચાયત હેઠળની વઘઈ તાલુકા પંચાયતના તત્કાલીન ટીડીઓ, ઇન્ચાર્જ અને મદદનીશ ઇજનેર સહિતનાએ સોલાર સંપસેટ ખરીદીમાં ભ્રષ્ટાચારને મોકળું મેદાન આપવામાં ભરપૂર સાથ આપ્યો છે. કુલ 22 નંગ સોલાર આધારીત પંપસેટની ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી થયેલી ખરીદીમાં ફાયનાન્સિયલ બીડ બનાવટી જોવા મળ્યું છે. ખરીદનાર તરીકે મદદનીશ ઇજનેર ભલે કંઈ જાણતાં હોય કે ના હોય પરંતુ સવાલ કર્યો ત્યારે બોલ્યા કે, તત્કાલીન ટીડીઓને ઓટીપી આપ્યા હતા એટલે બધું તેમને ખબર છે. જોકે અગાઉના ટીડીઓ દરમ્યાન આર.એ થયા બાદ ઇન્ચાર્જ ટીડીઓને સોલાર બાબતે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની જોગવાઈનુ પૂછતાં જોવું પડશે તેમ કહ્યું છે. સરેરાશ 85 લાખના ટેન્ડરમા કેમ ભાવ ડાઉન ના થયા તેમજ માર્કેટથી કેમ અતિ ઉચ્ચ ભાવે ખરીદી થઈ તે સૌથી મોટો સવાલ છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, 85 લાખના ખર્ચે સોલાર સંપસેટ ખરીદવાના હોય ત્યારે જેડાની જોગવાઈ બાબતે કેમ ડીપીસી, ટીડીઓ, એસ.ઓ અજાણ હોઈ શકે? આર.એ દરમ્યાન એજન્સીઓ વચ્ચે સાંઠગાંઠ થઈ અથવા કોઈ એક ઈસમ બધી એજન્સી બહારથી ઓપરેટ કરી ખરીદીને બાનમાં લે તો કેમ ચાલે ? આટલી મોટી રકમની ગ્રાન્ટ ખર્ચ કરવા ટીડીઓ, એસ.ઓ સહિતનાએ કેમ સરકારના નાણાંકીય હિતો, સીસીઆઇ, જેમ પોલીસી, જોગવાઈ અને ઉદ્યોગ કમિશ્નરના ઠરાવોને અવગણ્યા? બજાર ભાવથી ઉંચા ભાવે અને જેડાની જોગવાઈ સાથે સરકારના નાણાંકીય હિતોને બેધ્યાન કરવા/કરાવવા માટે જવાબદાર કોણ? જો રાજ્ય સરકાર અથવા જેડા સમગ્ર મામલે તપાસ કરે તો જવાબદારો વિરુદ્ધ ફરિયાદ થાય છે કે કેમ? આ બાબતે આગામી ન્યૂઝ રિપોર્ટમાં જાણીએ.

