રીપોર્ટ@વલસાડ: AAP પાર્ટીમાંથી 400 આગેવાનો-કાર્યકરો ભાજપમાં જોડતા રાજકારણ ગરમાયું

 
રાજકારણ
ભાજપની રાષ્ટ્ર પ્રથમની નીતિથી પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વલસાડ આમ આદમી પાર્ટીમાંથી આગેવાનો અને કાર્યકરો સહિત 400 જેટલા લોકો ભાજપમાં જોડાયા છે. વલસાડના ફલધરા ગામ ખાતે આ તકે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલની ઉપસ્થિતિ રહ્યા હતા.વલસાડ જિલ્લાના ફલધરા ગામ ખાતે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન વલસાડ આમ આદમી પાર્ટીના 400થી વધુ આગેવાનો અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલે આ તમામને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો.

આ તકે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. વધુમાં ગામના લોકો સાથે ભોજન પણ લીધું હતું. આ તકે સાંસદ ધવલ પટેલે કહ્યું કે"વલસાડ અને ધરમપુરના આશરે 400થી વધુ આમ આદમી પાર્ટીના લોકો આજે ભાજપમાં જોડાયા છે. હવે લોકોને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ રહ્યો નથી."આ અંગે એક પોસ્ટ કરતા સાંસદ ધવલ પટેલે લખ્યું કે, આજરોજ ફલધરા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તથા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધરમપુર તેમજ વલસાડ વિસ્તારના આમ આદમી પાર્ટીના 400 જેટલા આગેવાનો-કાર્યકરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસ અને ભાજપની રાષ્ટ્ર પ્રથમની નીતિથી પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.