રિપોર્ટ@ભરૂચ: હાંસોટના આસર ગામમાં કિમ નદીના પાણી ફરી વળતા જનજીવન થયું અસ્તવ્યસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરૂચના હાંસોટમાં પૂર અસરગ્રસ્ત ગામોમાં વરસાદે તારાજી સર્જી છે.કિમ નદીના પાણી આસરમા ગામમાં ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સાથે સાથે લોકોમાં ઘરમાં જ રહેવા માટે મજબૂર છે, ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. ભરૂચના હાંસોટમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. કિમ નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે,ગામના અનેક રસ્તાઓ બંધ હાલતમાં છે અને ખેતરો પાણીથી જળબંબાકાર થઈ ગયા છે.
એનડીઆરએફની ટીમ ગામમા નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થાનિકોનું રેસ્કયૂ કરી રહી છે,તેમજ ફાયરવિભાગ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, અગામી સમયમાં પૂરના પાણી ઓસરી તેને લઈ તંત્ર મગનું નામ મરી નથી પાડી રહ્યું.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે અન્ય બે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે,જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવાની આગાહી કરવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે,તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે. આજે દાહોદ, મહીસાગર અને અરવલ્લીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. ગુજરાતમાં હાલમાં વરસાદની ચાર સિસ્ટમની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.