રીપોર્ટ@વર્લ્ડ: પાકિસ્તાનમાં પોલીસ લાઇન્સ પાસે ભયાનક બ્લાસ્ટ, 15ના મોત, 50થી વધુ ઇજાગ્રસ્ત

 
ઘટના
કાર અથડાયા પછી જોરદાર બ્લાસ્ટ થયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કોહાટમાં પોલીસ લાઇન પાસે મોટો બ્લાસ્ટ થયો છે. જેમાં 15 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ શુક્રવારની નમાજ દરમિયાન થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મસ્જિદની બહાર મોટો ખાડો પડી ગયો. બહારનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો અને એક દીવાલ પણ પડી ગઈ.ખૈબર પખ્તુનખ્વાના IGએ જણાવ્યું કે વિસ્ફોટકથી ભરેલી એક કાર જૂની પોલીસ લાઇન્સના ગેટ સાથે અથડાઈ. કાર અથડાયા પછી જોરદાર બ્લાસ્ટ થયો અને ગોળીબાર પણ થયો. હોસ્પિટલ તંત્ર મુજબ 15 મૃતદેહ અને 50થી વધુ ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે.

 

સારવાર માટે હોસ્પિટલમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.પોલીસે કોહાટ-હંગુ રોડને તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરી દીધો છે. પોલીસ લાઇન આસપાસ વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટથી આસપાસની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કોહાટ પોલીસ લાઇન્સમાં થયેલા બ્લાસ્ટની નિંદા કરી છે. સંબંધિત અધિકારીઓ પાસેથી બ્લાસ્ટના સ્વરૂપ અને તેના કારણો અંગે રિપોર્ટ પણ માગ્યો છે.