રીપોર્ટ@પાટણ: ઝીલીયા બ્રધર્સના ફાર્મ હાઉસ 'સ્ટેટ ઓફ રામાધણી' પર ફરી વળ્યું બુલ્ડોઝર, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામની મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના ફાર્મ હાઉસ ઉપર આજે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ભાવેશ રબારીએ ઝીલિયા ખાતે સર્વે નંબર 166 ગૌચરની જમીનમાં ત્રણ હેક્ટર જમીન પૈકી 0.7110 ચોરસ મીટરમાં એક મહેલ જેવું ફાર્મ હાઉસ બનાવ્યું હતું. જેમાં બે માળનું મકાન, એક ગંગા માતાની સમાધિ, ખુલ્લી ઓસરી સહિત ગાર્ડન અને પ્રવેશદારો પર એક મુખ્ય ગેટ બનાવ્યો હતો.
પાટણ જિલ્લા ખાતે ફાર્મ હાઉસમાં થયેલ હુમલાને લઈને પોલીસે 18 આરોપીઓની ધરપકડ કરી તેઓને કાયદાના પાઠ ભણાવ્યા હતા, તો બીજી તરફ ભાવેશ ઝીલિયા ઉપર પણ ગુજરાતમાં 20 કેસ નોંધાયેલા હોય તેની સામે પણ કડક વલણ અપનાવાયું છે. આજે વહિવટી તંત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેના આશિયાના સમાન ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. વહીવટી તંત્રએ સાબિત કરી બતાવ્યું છે કે દાદાના રાજમાં કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો તે સૂત્ર સાર્થક કર્યું છે.

