રીપોર્ટ@અમદાવાદ: રથયાત્રામાં ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં આજે ભગવાન જગન્નથાજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી નગરચર્યાએ નિકળ્યા છે. શહેરના પરંપરાગત માર્ગે ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે રથયાત્રા આગળ વધી રહી છે.ભાવિકો જગદિશના દર્શન કરવા અધિરા બન્યા છે. રથયાત્રા ગાંધી પોળ પહોંચતા આશરે ત્રણ જેટલા ગજરાજ બેકાબુ થયા હતા. ગજરાજ બેકાબૂ થતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડી જ મિનિટોમાં હાથીને કાબૂમાં લેવામાં આવ્યા હતા.
આ સ્થિતિને કારણે ટ્રકોને પણ રાયપુરમાં રોકી રાખવામાં આવી હતી. હવે સ્થિતિ નિયંત્રણમાં છે. માનવ મહેરામણની વચ્ચે ગજરાજ બેકાબૂ બન્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં રથયાત્રામાં હાથી બેકાબૂ બન્યાની આ પ્રથમ ઘટના હતી. બેથી ત્રણ હાથીએ દોડધામ કરતા લોકોના જીવ તાળવે ચોંટ્યાં હતા. પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી નહતી મચી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. હાલ પૂરતી પોલીસ અને સ્વયંસેવકોને સીસોટી ન વગાડવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં 148મી રથયાત્રા પરિક્રમાએ નીકળી છે. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.