રીપોર્ટ@અમદાવાદ: આજથી RSSની 2 દિવસીય સમન્વય બેઠક, વિવિધ મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા

 
ગુજરાત
રાજ્ય સરકારના વિવિધ 6 વિભાગોના મંત્રીઓ પણ હાજરી આપશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની મહત્વપૂર્ણ 2 દિવસીય સમન્વય બેઠક શરૂ થઈ છે. મણિનગર વિસ્તારમાં આવેલા હેડગેવાર ભવન ખાતે યોજાનારી આ બેઠકમાં RSS, તેની વિવિધ ભગિની સંસ્થાઓ, રાજ્ય સરકાર અને ભાજપના મુખ્ય આગેવાનો એકસાથે જોડાશે. વર્ષમાં માત્ર એક જ વખત યોજાતી આ બેઠકને સંગઠનાત્મક અને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.બેઠકમાં RSSના સહ સરકાર્યવાહ અરુણ કુમાર ઉપસ્થિત છે. તેમની હાજરીમાં સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓના અગ્રણી આગેવાનો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને સંકલન કરવામાં આવશે.

આ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ 6 વિભાગોના મંત્રીઓ પણ બેઠકમાં હાજરી આપશે, જેના કારણે સરકાર અને સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ વચ્ચેના પ્રશ્નો અને મુદ્દાઓ પર સીધી ચર્ચા થવાની શક્યતા છે.આ બેઠકમાં સરકાર, સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત સંકલન સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવશે. ભગિની સંસ્થાઓને સરકાર સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો, માંગણીઓ અને મુદ્દાઓ રજૂ કરવાની પણ તક મળશે. સંબંધિત વિભાગોના મંત્રીઓ સાથે સીધા સંવાદ દ્વારા વિવિધ મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજર છે. RSS અને તેની વિવિધ સંસ્થાઓના અગ્રણી, રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ ભાજપના નેતાઓ એક મંચ પર આવતા આગામી સમયની સંગઠનાત્મક અને સંકલનાત્મક દિશા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. 2 દિવસ સુધી ચાલનારી આ બેઠક વર્ષમાં એક જ વખત યોજાય છે. તેથી સંઘ અને ભગિની સંસ્થાઓ માટે વર્ષ દરમિયાન સામે આવેલા મુદ્દાઓની સમીક્ષા, સરકાર સાથેના સંકલન અને આગામી આયોજન માટે આ બેઠક મહત્વપૂર્ણ બની રહેશે.