રિપોર્ટ@અમદાવાદ: એરપોર્ટ પરથી છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું

 
એરપોર્ટ
એરપોર્ટ ઉપર કસ્ટમના અધિકારીઓએ શંકાસ્પદ પેસેન્જર પર સતત નજર રાખે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું છે. એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન કસ્ટમ વિભાગે 113 કેસ કરીને 63 કિલો સોનું જપ્ત કર્યું છે કે જેની આંતરરાષ્ટ્રીય બજારના ભાવ પ્રમાણે કિંમત 42 કરોડ થાય છે. કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરી કરતા 23 લોકોની ધરપકડ કરીને તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

કસ્ટમ્સ વિભાગ દ્વારા છેલ્લા બે મહિનામાં નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર 3 પેસેન્જરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પાસેથી 7.5 કિલો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરીને એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સોનાની દાણચોરી કરનારાં લોકો જાત જાતના નુસખા અજમાવે છે તેથી કસ્ટમ્સ વિભાગે પણ સતર્ક રહેવું પડે છે. એરપોર્ટ ઉપર કસ્ટમના અધિકારીઓએ શંકાસ્પદ પેસેન્જર પર સતત નજર રાખે છે અને જરાક પણ શંકાસ્પદ હિલચાલ લાગે તો તરત તેની જડતી કરાય છે. મોટા ભાગના કિસ્સામાં આવી વ્યક્તિ દાણચોરીના સોના સાથે ઝડપાય છે.

એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ પણ પેસેન્જર્સના પ્રોફાઈલની તપાસ કરીને કસ્ટમ્સ વિભાગને માહિતી પૂરી પાડે છે.  પેસેન્જર વિદેશની કેટલી ટ્રીપ મારી તેનો પણ રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે.  એરપોર્ટ પર દાણચોરીની વધેલી ઘટનાઓના કારણે હાલ એરપોર્ટ ઉપર બે નવા લેટેસ્ટ ટેકનોલોજી સાથેના બેગેજ સ્ક્રિનિંગ મશીનો મૂકવામાં આવેલા છે. હાલ એરપોર્ટ ઉપર સાત આવા પેકેજ સ્ક્રિનિંગ મશીનો છે જે હેન્ડબેગ ચેકિંગ કરવા ગ્રીન ચેનલ રેડ ચેનલ અને એર ઇન્ટેલિજન્ટ યુનિટ પાસે રાખવામાં આવ્યા છે. જેના કારણે કસ્ટમ ડ્યુટીની ચોરી કરવાના પ્રયત્નો કરનાર પકડાઈ જાય છે આઠ મહિનામાં 42 કરોડનું દાણચોરીનું ગોલ્ડ પકડવામાં આવ્યું છે.