રિપોર્ટ@અમદાવાદ: બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન રાજ્યનું આરોગ્ય વિભાગ તૈયાર

 
આરોગ્ય વિભાગ

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા દરમિયાન રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સ્ટેન્ડ બાય રહેશે. પરીક્ષા દરમિયાન આકસ્મિક સંજોગોમાં વિદ્યાર્થીઓને શારીરિક તકલીફ ઊભી થાય તો તાત્કાલિક સારવાર માટે સ્થળ સંચાલકોને ડોક્ટરોના નંબર મોકલી અપાયાં છે.

શહેર DEO કચેરી દ્વારા 7 હોસ્પિટલ અને 95 આરોગ્ય કેન્દ્રના નંબરની યાદી સ્થળ સંચાલકોને મોકલી આપી છે.આ સિવાય 48 વોર્ડમાં આવેલા 95 UHC-PHC સેન્ટરના મેડિકલ ઓફિસરના નામ, ઈ-મેઈલ આઈડી અને કોન્ટેક્ટ નંબર મોકલી આપવામાં આવ્યાં છે. જેથી ઈમરજન્સી દરમિયાન સ્થળ સંચાલક તેમના વિસ્તારના તબીબનો તાત્કાલિક સંપર્ક કરી શકશે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં હોવાથી ક્યારેક મેડિકલ ઈમરજન્સી આવવાની ઘટનાઓ ઘટતી હોય છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે કુલ 1,79,158 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં ધોરણ 10માં અમદાવાદ શહેર વિસ્તારમાં કુલ 58,691 અને ગ્રામ્ય વિસ્તારમાં 45,975 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરમાં 33,168 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 25,416 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 12 સાયન્સમાં શહેર વિસ્તારમાં 9,493 તેમજ ગામ્ય વિસ્તારમાં 6,415 વિદ્યાર્થી પરીક્ષા આપશે.