રીપોર્ટ@અમદાવાદ: RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી પોલીસ તંત્ર દોડતું થયું, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારે અમદાવાદની મુખ્ય RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત ધમકી મળતા તંત્ર અને પોલીસ દોડતું થયું હતું. ધમકીભર્યા સંદેશાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.
ધમકીની જાણ થતાં જ RTO સત્તાધીશોએ રાણીપ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સંભવિત જોખમને ટાળવા માટે તાત્કાલિક ધોરણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને વિવિધ કામકાજ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટ્રેક પર ટેસ્ટ આપવા આવેલા અનેક ઉમેદવારોની કામગીરી પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને સલામતી ખાતર તેમને પરત મોકલી દેવાયા હતા.હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી RTO કચેરીના દરેક રૂમ, લોબી, પાર્કિંગ એરિયા અને ટ્રેક વિસ્તારની ખૂણેખૂણે તપાસ કરવામાં આવી રહી છછ
ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ધમકી ક્યાંથી અને કોણે મોકલી છે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદની નામચીન શાળાઓ, કોલેજો, પાસપોર્ટ ઓફિસ તેમજ ગ્રામ્ય કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ જેવી સંવેદનશીલ સંસ્થાઓને પણ આ પ્રકારે બોમ્બની ધમકીઓ મળી ચૂકી છે. વારંવાર મળી રહેલી આ પ્રકારની અજ્ઞાત ધમકીઓને પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

