રીપોર્ટ@અરવલ્લી: બેંકેબલની લોનમાં સબસિડી અટકી પડી, જિલ્લા મેનેજર આખરે વડી કચેરીનુ ના માન્યા?

 
Arvalli
ઓનલાઇન આવતી સબસિડીની ગ્રાન્ટ ચારેક મહિનાથી વિલંબમાં પડી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

અરવલ્લી જિલ્લામાં બાઇપાઇ બેંકેબલ યોજના હેઠળ અનેક અરજદારોએ આવેદન કરેલા છે. લાભાર્થીઓનો નક્કી થયા બાદ ઓનલાઇન સિસ્ટમ આધારે અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સત્તાધિશોએ લાભાર્થીઓને સબસિડી મળવાની સ્થિતિએ ચોંકાવનારો નિર્ણય કરી દેતાં સબસિડી આખરે પરત ફરી હતી. મોટાભાગની અરજીઓ ઢોરઢાંખર માટે આવેલ હોઈ મહિલા જનરલ મેનેજરે વિમાની જરૂરીયાત ઉભી કરતાં અને વીમાનો પ્રશ્ન હલ નહિ થતાં માર્ચના અંતે સરેરાશ 2 કરોડ જેટલી સબસિડીની ગ્રાન્ટ પાછી ગઈ છે. હવે આ બાબતે વડી કચેરીને પૂછતાં જણાવ્યું કે, જનરલ મેનેજરે વીમાનુ કહ્યું પરંતુ વડી કચેરીની કોઈ સુચના નથી અને સમગ્ર રાજ્યમાં અન્ય જિલ્લામાં પણ આવો વીમાનો પ્રશ્ન નથી. હવે અહિં સવાલ થાય કે, જનરલ મેનેજરે કેમ વીમાનુ કારણ ઉભું કર્યું કે જેથી ઓનલાઇન આવતી સબસિડીની ગ્રાન્ટ ચારેક મહિનાથી વિલંબમાં પડી છે અને આખરે 200થી300 લાભાર્થીઓ પરેશાન થયા છે. જાણીએ સમગ્ર અહેવાલ.

અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સત્તાધિશોના વહીવટ મામલે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. દર વર્ષની જેમ બાજપાઇ બેંકેબલ યોજના હેઠળ જિલ્લાના ઉદ્યોગ સાહસિકોએ ફોર્મ ભરી સંબંધિત બેંકમાંથી લોન લેવા સહિતની પ્રક્રિયા કરી હતી. હવે આમાં બેંક ભલે લોન આપે પરંતુ આ લોનમાં સબસિડી સ્વરૂપે સરેરાશ 1 લાખથી વધુની રાહત મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ભૂમિકા/સત્તા હોય છે. હવે જ્યારે સમગ્ર પ્રક્રિયા થઈ ત્યારે 200થી 300 લાભાર્થીઓની સબસિડીની સરેરાશ 2 કરોડ જેટલી રકમ બેંક ખાતામાં આવે તે પહેલાં જનરલ મેનેજરના વલણથી અટવાઇ પડી. મહિલા જનરલ મેનેજરે વીમાની જરૂરીયાત બતાવી સબસિડી અટકાવી રાખી અને આખરે કરોડોની રકમ કમિશ્નર કચેરીમાં પાછી ગઈ. હવે અહિંથી શરૂ થાય છે કે કોની ક્યાં ચૂક થઈ અથવા કેમ આવું થયું? વાંચો નીચેના ફકરામાં.

સમગ્ર મામલે ગાંધીનગર સ્થિત વડી કચેરીના મદદનીશ કમિશ્નર ચાવડાને પૂછતાં જણાવ્યું કે, જનરલ મેનેજરે ક્લેમનુ કહ્યું અને નાણાંકીય વર્ષ પૂર્ણ થતું હોઈ પડતર રકમ પાછી આવી ત્યારે બીજો સવાલ થયો કે, વીમાની બાબતે શું જોગવાઈ છે. આની સામે મદદનીશ કમિશ્નર ચાવડાએ જણાવ્યું કે, અન્ય જિલ્લાઓમાં આવો પ્રશ્ન નથી અને વીમો ફરજિયાત નથી પરંતુ જનરલ મેનેજરની એવું લાગ્યું હશે છતાં અમે નિયમાનુસાર કરવા કહ્યું અને હવે સમગ્ર અહેવાલ સક્ષમ અધિકારી સમક્ષ છે, સરેરાશ ત્રણથી ચાર મહિનાથી પેન્ડિંગ છે પરંતુ આગામી દિવસોમાં નિકાલ આવી જાય તેવી શક્યતા છે. હવે અહિં સવાલ થાય કે, જનરલ મેનેજરે જે બાબત ઉભી કરી તે ફરજિયાત નથી છતાં લાભાર્થીઓ પ્રત્યે આવું વલણ કેમ ? ટૂંક સમયમાં જાણીશું.