રીપોર્ટ@ભરૂચ: ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, 'મનરેગા કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસ બધાનું સેટિંગ'

 
મનસુખ વસવા
મનસુખ વસાવાના આક્ષેપોએ રાજકીય વર્તુળોમાં ભારે હડકંપ મચાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડ મામલે જણાવ્યું છે કે, કામ કરનારી એજન્સીઓ દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, કૌભાંડ આચરનારી એજન્સીના કેટલાક માણસો તેમને મળવા આવ્યા હતા. તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાહેરમાં મીટિંગ કરી હતી. આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી હતી, જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂપિયાનો ઉલ્લેખ હતો.

વિપક્ષના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા છે. તેમાંથી જ કેટલાક શાહુકાર બન્યા છે. વિપક્ષના નેતાઓએ પણ રૂપિયા લીધા છે. ભરુચના મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપોએ રાજકીય વર્તુળોમાં ભારે હડકંપ મચાવ્યો છે. પરંતુ તેમના નિવેદનોમાં છેલ્લે આવેલા પલટાએ અનેક સવાલો ઊભા કર્યા છે.વસાવાએ કૌભાંડને ગાંધીનગર લેવલનું સેટિંગ ગણાવ્યું હતું. જેમાં એજન્સીને કામ મળે ત્યાં સુધીનું આયોજન હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે અધિકારીઓ, પદાધિકારીઓ સહિત તમામને ફંડ આપવામાં આવ્યું છે, અને આ મામલે ગાંધીનગરથી તપાસની શરૂઆત થવી જોઈએ.

તેઓએ કહ્યું કે, ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી અને દીવા તળે અંધારું છે એ જોતા નથી. તેમના મતે આ કૌભાંડમાં બધાને ટકાવારી મળી છે. જેમાં દરેક પક્ષના લોકો, મંત્રીઓ, સચિવો અને અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સ્વર્ણિમ એજન્સીની તપાસ ન થવા પર પણ સવાલ ઉઠાવ્યો અને માંગ કરી કે માત્ર ભરૂચ કે નર્મદા જ નહીં. ગુજરાતમાં મનરેગાના કામોની તપાસ થવી જોઈએ.