રીપોર્ટ@ચાણસ્મા: નર્મદા કચેરીમાં કાળજી જ્યારે કેનાલમાં પારકાંપણું, સિમેન્ટમાં ઠેર ઠેર ઉગી નિકળ્યું ઘાસ

 
Chanasma
કેનાલની જાળવણી અને રખરખાવ પાછળ મન મૂકીને ખર્ચ કરે છે 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ચાણસ્મા નર્મદા કચેરીમાં જાઓ તો સ્વચ્છતા અને એકદમ નવીન લાગે પરંતુ આ કચેરીના ઈજનેરોની કાર્યક્ષેત્રમાં આવતી કેનાલમાં જુઓ તો ચોંકાવનારો નજારો છે. બોલેરો બ્રાન્ચ કેનાલમાં અત્યારે પાણી ખૂબ ઓછું છે પરંતુ કેનાલની સિમેન્ટવાળી લેયરમા ઘાસ ઉગી નિકળ્યું છે. સિમેન્ટમાંથી ઠેર ઠેર ઘાસ ઉગી જતાં કેનાલ અને ઝાડી ઝાંખરા જાણે દોસ્ત બની ગયા હોય તેવું ચિત્ર ઉભરી આવ્યું છે. ઈજનેરો અહિં અવારનવાર મુલાકાતે નિકળતાં હશે પરંતુ કચેરીમાં લેવાતી કાળજી ખેડૂતો માટેની વરદાન રૂપ કેનાલમાં બેકાળજી છતી થાય છે. વખતોવખત કેનાલ જાળવણી માટે થતો ખર્ચ શું ઘાસ દૂર કરવા નહિ વપરાતો હોય તેવા સવાલો ઉભા કરે છે. જાણીએ સમગ્ર અહેવાલ.

પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરથી રેલ્વે ફાટક નજીક આવેલી નર્મદા ઓફિસ નવી બનાવેલી હોઈ સ્વચ્છતા અને રંગરોગાનમાં જોવાપણુ નથી. જોકે આ ઓફિસના સિંચાઇ નેટવર્કમાં જોઈએ તો કેનાલની હાલત બેદરકારી જણાવી રહી છે. ભાટસરથી આગળ આવતી બોલેરો બ્રાન્ચ કેનાલમાં અનેક જગ્યાએ કેનાલની સાઈડની સપાટી ઉપર ઘાસ ઉગી નિકળ્યું છે. સિમેન્ટમાં જાણે વાવેતર થયું હોય અને ઘાસ ઉગી ગયું હોય તેમ ઠેર ઠેર ઘાસના ઝુંડ જોવા મળી રહ્યા છે. કહેવાતી કેનાલની સફાઇ કે જાળવણી ભલે અવારનવાર થતી હશે પરંતુ જમીની હકીકત કંઇક અલગ છે. સરકાર કેનાલની જાળવણી અને રખરખાવ પાછળ મન મૂકીને ખર્ચ કરે છે પરંતુ બોલેરો બ્રાન્ચ કેનાલ ઉપરના આ દ્રશ્યો ચોંકાવનારા છે. જો ઠેકેદાર મારફતે ચાણસ્મા નર્મદા કચેરીવાળા કેનાલની જાળવણી કરાવતાં હોય તો શું ગણતરીના દિવસોમાં આ ઘાસ ઉગી નિકળ્યું હશે ? વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાણસ્મા નર્મદા કચેરીમાં ઈજનેરો અલગ અલગ જવાબદારીમાં છે ત્યારે જેઓની માથે આ બોલેરો બ્રાન્ચ કેનાલની જાળવણી માટે જવાબદારી છે તેમના સામે ગંભીર સવાલો ઉભા થાય છે. જાણકારોના મતે, ટેન્ડર પ્રક્રિયાથી કેનાલ નેટવર્કની જાળવણી થાય છે અને ઠેકેદારના માણસો ઝાડી ઝાંખરા સહિતનુ દૂર કરે છે પરંતુ આવું વર્ષોથી રહે છે કે, ઘાસ ઉગી નીકળે પરંતુ અનેક મહિનાઓ લાંબા સમયે નજીવી સફાઇ થાય અને ફરી ગણતરીના સમયમાં ઠેરની ઠેર સ્થિતિ થાય છે. જો રૂટિન જાળવણી અને ઘાસ તુરંત દૂર કરવામાં આવે તો આટલા મોટા અને આટલી સંખ્યામાં ઝાડી ઝાંખરા ફેલાય નહિ.