રીપોર્ટ@ છોટાઉદેપુર: ભાજપમાં મોટું ઓપરેશન, વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા, કેમ લેવાયા કડક પગલાં?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે બળવો કરી ફોર્મ ભરનારા વધુ 10 કાર્યકરો અને હોદ્દેદારો સામે જિલ્લા ભાજપે કડક હાથે કામગીરી કરી છે. શિસ્તભંગના આરોપ હેઠળ આ તમામ 10 બળવાખોરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા પક્ષના જ કેટલાક જૂના જોગીઓ અને કાર્યકરોમાં નારાજગી હતી. આ નારાજગીના પગલે 8 કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
2 કાર્યકરોએ છેડો ફાડી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ચૂંટણી મેદાનમાં ઉતરેલા આ નેતાઓને કારણે ભાજપની વોટબેંકમાં ગાબડું પડવાની શક્યતા હતી, જેને રોકવા માટે જિલ્લા ભાજપે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો છે.જિલ્લા ભાજપ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, મુખ્યત્વે બોડેલી, કદવાલ, સંખેડા અને કવાંટ તાલુકાઓના હોદ્દેદારો અને કાર્યકરોને સભ્યપદ તેમજ તમામ હોદ્દાઓ પરથી મુક્ત કરાયા છે.
જિલ્લા પ્રમુખ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદ, આ તમામ 10 બળવાખોરો હવે આગામી 6 વર્ષ સુધી ભાજપના કોઈ પણ હોદ્દા કે સભ્યપદ પર રહી શકશે નહીં. ચૂંટણીના આરે લેવાયેલા આ નિર્ણયથી રાજકીય આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે 'શિસ્ત' સાથે કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં.

