રીપોર્ટ@દેશ: રાઘવ ચઢ્ઢા સહિતના સાતેય સાંસદોને ભાજપમાં જોડાવાની સત્તાવાર મંજૂરી મળી
રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાંસદોના જોડાણ બાદ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે.
આ અગાઉ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026) રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી. સંજય સિંહે આક્ષેપ કર્યો હતો કે, જે સાંસદો 'આપ'ની ટિકિટ પર ચૂંટાયા હતા, તેમનું ભાજપમાં જોડાવું એ પંજાબની જનતા અને બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમણે આને પક્ષાંતર ગણાવીને કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી, પરંતુ રાજ્યસભા સચિવાલયે સાંસદોના પક્ષ પરિવર્તનને માન્ય રાખ્યું છે.
ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, 'જે પાર્ટીને મેં 15 વર્ષ લોહી-પરસેવો પાડીને સીંચી હતી, તે હવે પોતાના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. મને અહેસાસ થયો કે હું એક ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો. હવે આ પાર્ટી રાષ્ટ્રીય હિતમાં નહીં પરંતુ અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે, તેથી મેં લોકોની વચ્ચે જવાનો નિર્ણય લીધો છે.'

