રિપોર્ટ@દેશ: મોદી કેબિનેટે રૂ.13,041 કરોડના 4 રેલવે અને એક હાઈવે પ્રોજેક્ટને આપી

 
કેબિનેટ
પ્રોજેક્ટનું કામ 30 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્‍યાંક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય કેબિનેટે દેશની રેલ અને રોડ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે કુલ રૂ.13,041 કરોડના ચાર રેલવે અને એક હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ મહત્વના રૂટ પર ટ્રાફિક અને રેલવેની ભીડ ઘટાડવા ઉપરાંત મુસાફરીને વધુ સરળ બનાવવાનો છે. બિહારમાં મુઝફ્ફરપુર- સીતામઢી-સોનબરસા ફોર-લેન હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તેની અંદાજિત કિંમત રૂ.3,591 કરોડ છે અને પ્રોજેક્ટનું કામ 30 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્‍યાંક છે. હાઈવે બન્યા બાદ મુઝફ્ફરપુરથી સોનબરસા પહોંચવાનો સમય લગભગ 2 કલાકથી ઘટીને 1 કલાક થઈ શકે છે. આ રૂટ નેપાળ બોર્ડર નજીકથી શરૂ થતો હોવાથી પ્રાદેશિક કનેક્ટિવિટી પણ મજબૂત થશે.

રેલવે ક્ષેત્રે ખડગપુર-ભદ્રક ચોથી લાઈન પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે. રૂ.3,352 કરોડના ખર્ચે બનનારો આ 173 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો છે. તે બાલાસોર, એસપી મુખર્જી પોર્ટ અને પારાદીપ પોર્ટ જેવા મહત્વના સ્થળોને જોડવામાં મદદ કરશે. આ ઉપરાંત ભદ્રક-હરિદાસપુર ચોથી લાઈન માટે રૂ.1,583 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ 75 કિલોમીટર લાંબી લાઈનથી ટાટાનગર સહિતના વિસ્તારોને વધુ સારી રેલ કનેક્ટિવિટી મળશે અને માલ પરિવહનને પણ ફાયદો થશે. કેબિનેટે ગુમ્મિડિપુંડી-ગુડુર ત્રીજી અને ચોથી લાઈન માટે રૂ.2,229 કરોડ તથા કટક-પારાદીપ ત્રીજી અને ચોથી લાઈન માટે રૂ.2,286 કરોડના પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે.