રીપોર્ટ@દેશ: વિપક્ષી દળોએ સ્પીકર ઓમ બિરલા સામે મોરચો માંડ્યો, પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ

 
લોકસભા
સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે: વિપક્ષ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભામાં કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે મોરચો માંડતા તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. વિપક્ષી નેતાઓએ લોકસભાના નિયમ 94(C)નો હવાલો આપી સ્પીકરને પદમુક્ત કરવાની માંગ સાથે લોકસભાના મહાસચિવને આ નોટિસ સોંપી છે. આ દરખાસ્ત પર કોંગ્રેસ, સપા, ડાબેરી પક્ષો અને આરજેડી સહિતના કુલ 118 સાંસદોએ સહી કરી છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસે(TMC) એ દૂરી જાળવી રાખી છે, જે વિપક્ષી ગઠબંધનમાં આંતરિક મતભેદ હોવાના સંકેત આપે છે.

વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ અંગે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'સરકારના દબાણને કારણે સ્પીકર પદની ગરિમા જળવાતી નથી અને તેમણે વડાપ્રધાનના બચાવમાં સફાઈ આપવી પડે છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.'સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માટે ઓછામાં ઓછા 50 સાંસદોનું સમર્થન જરૂરી હોય છે અને નોટિસ આપ્યાના 14 દિવસ બાદ તેના પર ચર્ચા હાથ ધરવામાં આવે છે.