રિપોર્ટ@દાહોદ: પરથમપુરામાં બુથ કેપચરિંગનો મામલો, મતદાન રદ થતાં ફરી થશે મતદાન

 
બુથ કેપછરિંગ
હવે આ બુથ પર 11મી મેએ શનિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન બીજેપી નેતાના પુત્રની દાદાગીરી સામે આવી હતી. હવે ચૂંટણી પંચે ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે અહીં દાદાગીરી કરીને ઈવીએમને પોતાના બાપના ગણાવ્યા હતા. પરથમપુરાનો આ વીડિયો સામે આવ્યા બાદ હંગામો સર્જાયો હતો. પોલીસે આરોપી બીજેપી નેતાના પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ હવે અહીં 11 મેંના રોજ ફરીથી મતદાન થશે.

પરથમપુરા ગામના બુથ નંબર-220 પર બીજેપી નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે અધિકારીઓને ધમકાવ્યા હતા અને બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો.આ વીડિયોમાં વિજય ભાભોર કહેતો જોવા મળે છે કે, 5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે. આ પછી પોલીસે વિજય ભાભોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિજય ભાભોરના પિતા રમેશ ભાભોર બીજેપી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. આ બુથ પર હવે 11મી મેએ શનિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. દાહોદ બેઠક પર ભાજપે જશવંતસિહ ભાભોરને જ્યારે કોંગ્રેસે ડૉ. પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર મંગળવારે દાહોદમાં 58.66 ટકા મતદાન નોંધાયું હતું.