રિપોર્ટ@દિલ્હી: સી એમ અરવિંદ કેજરીવાલ આજે જેલમાંથી આરોગ્ય વિભાગને લાગતાં નિર્દેશ જાહેર કરશે

 
કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે લોક કલ્યાણના કામો શરૂ કરવા સૂચનાઓ મોકલી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે અંદરથી વધુ એક નિર્દેશ જાહેર કર્યો છે. આ વખતે તેમણે સ્વાસ્થય વિભાગને લઈને એક નિર્દેશ આપ્યો છે જે દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ પત્રકાર પરિષદમાં જાહેર કરશે. અગાઉ, જળ પ્રધાન આતિશીએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેજરીવાલે શનિવારે તેમને પાણી અને ગટર સંબંધિત જાહેર સમસ્યાઓના ઉકેલ માટે 'તેમની સૂચનાઓ' સાથે ED કસ્ટડીમાંથી એક દસ્તાવેજ મોકલ્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ દિલ્હીના મંત્રી આતિશીના નિવેદનની નોંધ લીધી છે જેમાં તેણે કહ્યું છે કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તેમને એજન્સીની કસ્ટડીમાંથી પાણી અને ગટર સંબંધિત લોક કલ્યાણના કામો શરૂ કરવા સૂચનાઓ મોકલી છે, સત્તાવાર સૂત્રોએ આ માહિતી રવિવારે આપી હતી.આતિશીએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાને આગામી ઉનાળાના મહિનાઓ પહેલા પાણી પુરવઠાને મજબૂત કરવા માટે જ્યાં પાણીની તંગી છે તેવા વિસ્તારોમાં પાણીના પૂરતા ટેન્કર મોકલવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

કેજરીવાલને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલતા કોર્ટે તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને અંગત સહાયક બિભવ કુમારને દરરોજ સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે અડધો કલાક મળવાની મંજૂરી આપી હતી. આ સમયગાળાનો બાકીનો અડધો કલાક કેજરીવાલના વકીલોને મળવા માટે આપવામાં આવ્યો છે.