રિપોર્ટ@દિલ્હી: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવવાનો હાઈકોર્ટનો ઇનકાર

 
કેજરીવાલ

કોર્ટે કહ્યું કે તે આ મુદ્દા પર નિર્ણય લઈ શકે નહીં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગ કરતી જાહેર હિતની અરજી  ફગાવી દીધી છે. કોર્ટે પદ છોડવાનો નિર્ણય કેજરીવાલ પર છોડી દીધો છે. જો કે, કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, કેટલીકવાર રાષ્ટ્રીય હિતને વ્યક્તિગત હિતથી ઉપર રાખવું પડે છે. અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં જેલમાં છે.

એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાની બેન્ચે હિંદુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તાની પીઆઈએલને ફગાવી દીધી હતી. તેમણે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડનો હવાલો આપીને કેજરીવાલને પદ પરથી હટાવવાની માગ કરી હતી. કોર્ટે પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કરતા કહ્યું કે તે કેજરીવાલનો વ્યક્તિગત નિર્ણય છે કે તેમણે ચાલુ રાખવું કે નહીં. કેજરીવાલ પર ચુકાદો છોડતી વખતે કોર્ટે એમ પણ કહ્યું કે, ‘ક્યારેક વ્યક્તિગત હિતને રાષ્ટ્રીય હિતને આધીન કરવું પડે છે.’કોર્ટે કહ્યું કે તે આ મુદ્દા પર નિર્ણય લઈ શકે નહીં, તે દિલ્હીના એલજી અથવા ભારતના રાષ્ટ્રપતિએ કરવું પડશે.

કોર્ટે કહ્યું, ‘અમે કેવી રીતે જાહેર કરી શકીએ કે સરકાર ચાલી રહી નથી? LG આ નિર્ણય લેવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમને અમારા માર્ગદર્શનની જરૂર નથી. અમે તેમને સલાહ આપી શકતા નથી. તેઓ કાયદા મુજબ જે કરવું હશે તે કરશે. કોર્ટે એમ પણ કહ્યું કે અરજીનો ઉકેલ એલજી અથવા રાષ્ટ્રપતિ પાસે છે. કોર્ટે કહ્યું કે અરજદારો તેમની પાસે પ્રાર્થના કરી શકે છે. આ પછી ગુપ્તાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.