રિપોર્ટ@દિલ્હી: શું અરવિંદ કેજરીવાલ પર આવશે મોટી મુશ્કેલી? ED લઈ રહી છે મોટું પગલું

 
કેજરીવાલ

વચગાળાના જામીન અંગે સુપ્રીમ કોર્ટ 10 મેના રોજ પોતાનો આદેશ આપશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, ED શુક્રવારે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી શકે છે. આ પૂરક ચાર્જશીટ અરવિંદ કેજરીવાલ અને કે. કવિતા સામે ફાઇલ કરી શકે છે. જણાવી દઈએ કે, શુક્રવારે જ સુપ્રીમ કોર્ટ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં BRS નેતા કે. કવિતાની 15 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. EDની ચાર્જશીટ પર આમ આદમી પાર્ટીના સૂત્રો કહે છે કે, આ બીજેપીની ચાર્જશીટ છે EDની નહીં. ભાજપનું કામ માત્ર અરવિંદ કેજરીવાલને બદનામ કરવાનું છે.

ED પૂરક ચાર્જશીટમાં મુખ્ય ષડયંત્રકાર તરીકે કેજરીવાલનું નામ લઈ શકે છે. તપાસમાં ખુલાસો થયો છે કે, કેજરીવાલને ગોવા વિધાનસભા ચૂંટણીમાં દક્ષિણ લોબી પાસેથી મળેલી 100 કરોડની લાંચમાંથી 45 કરોડ રૂપિયાના ઉપયોગની જાણ હતી. કેજરીવાલ નવી આબકારી નીતિ વિશે પહેલાથી જ વાકેફ હતા. કેજરીવાલ એ પણ જાણતા હતા કે, લાંચ લઈને દારૂના વેપારીઓને ફાયદો કરાવવા માટે પ્રોફિટ માર્જિન 6% થી વધારીને 12% કરવામાં આવી રહ્યું છે. દારુ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન અંગે સુપ્રીમ કોર્ટ 10 મેના રોજ પોતાનો આદેશ આપશે.

ધરપકડ સામે કેજરીવાલની અરજીની સુનાવણી કરનાર બેન્ચનું નેતૃત્વ કરી રહેલા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ કહ્યું કે, અમે શુક્રવારે વચગાળાનો આદેશ પસાર કરીશું. ધરપકડને પડકારવા સંબંધિત મુખ્ય કેસની પણ તે દિવસે સુનાવણી થશે. જસ્ટિસ ખન્ના બુધવારે જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદી સાથે અલગ બેંચમાં બેઠા હતા. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ દ્વારા કેજરીવાલની પિટિશનની યાદી અંગે પૂછવામાં આવતા તેમણે આ ટિપ્પણી કરી હતી. રાજુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સંબંધિત કેસમાં કેન્દ્ર વતી ત્રણ સભ્યોની બેન્ચ સમક્ષ હાજર થયા હતા. તેમણે કેજરીવાલની અરજીની યાદી અંગે સ્પષ્ટતા માંગી હતી. આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ છે.