રિપોર્ટ@દિલ્હી: શું જેલમાં બંધ CM કેજરીવાલને મળશે રાહત? 15 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં સુનવાણી હાથ ધરાશે
કેજરીવાલની ન્યાયિક કસ્ટડી પણ 15 એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુપ્રીમ કોર્ટ સોમવારે નક્કી કરશે કે અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ પછી પણ જેલમાં રહેવું પડશે કે પછી તેમને દિલ્હી લિકર કૌભાંડ કેસમાં રાહત મળશે. કેજરીવાલે આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED ની ધરપકડને માન્ય કરતા દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ મુખ્યમંત્રીની અરજી પર સુનાવણી કરશે.
કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 15 એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહી છે, તેથી તે જ દિવસે તેને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમને જામીન આપવાની માંગ થઈ શકે છે. હાઈકોર્ટે તેમની એ દલીલને પણ ફગાવી દીધી હતી કે રાજકીય દુશ્મનાવટ ના કારણે ચૂંટણી દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ વતી હાઈકોર્ટના આદેશ સામે બુધવારે જ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને કોર્ટને પણ આ મામલે ઝડપી સુનાવણી કરવા વિનંતી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેજરીવાલે કહ્યું છે કે આ વિશેષ અનુમતિ અરજી અત્યંત કટોકટીની સ્થિતિમાં દાખલ કરવામાં આવી છે.
આ ધરપકડ સહ-આરોપી દ્વારા આપવામાં આવેલા મોડા નિવેદનના આધારે કરવામાં આવી છે. ED પાસે આ તમામ સામગ્રી છેલ્લા નવ મહિનાથી હતી, તેમ છતાં સામાન્ય ચૂંટણી વચ્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલે દાવો કર્યો હતો કે એવી કોઈ સામગ્રી કે તથ્યો નથી કે જેના આધારે અરજદારને દોષિત માની શકાય કે ધરપકડ કરી શકાય. હાઈકોર્ટ એ સમજવામાં નિષ્ફળ ગઈ કે સીઆરપીસીની કલમ 164 હેઠળ આપેલા નિવેદનને સંપૂર્ણ સત્ય ગણી શકાય નહીં, કોર્ટ તેના પર શંકા કરી શકે છે.