રીપોર્ટ@દેશ: ઐતિહાસિક જીત બાદ વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા પર કરોડોનો વરસાદ, જાણો કોને કેટલા મળ્યા?

 
ભારત
ભરતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને જોરદાર જીત મેળવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતીય ટીમે ત્રીજી વખત T20 વર્લ્ડ કપના ખિતાબ પર કબજો જમાવ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા પર કરોડો રૂપિયાના ઇનામોનો વરસાદ થયો છે.ભારતીય ટીમે ફાઈનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને જોરદાર જીત મેળવી છે. રવિવારે રમાયેલી આ મેચમાં ભારતે આપેલા 256 રનના વિશાળ ટાર્ગેટ સામે કીવી ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની આ જીતમાં સંજુ સેમસનની 89 રનની આક્રમક ઇનિંગ અને જસપ્રીત બુમરાહની 4 વિકેટ મહત્વની સાબિત થઈ હતી.

T20 વર્લ્ડ કપ 2026 જીતનારી ભારતીય ટીમને ICC તરફથી 3 મિલિયન ડોલર (અંદાજે ₹27.50 કરોડ) ની ઈનામી રકમ મળી છે. બીજી તરફ, ફાઈનલમાં હારનાર ન્યુઝીલેન્ડની ટીમને રનર-અપ તરીકે 1.6 મિલિયન ડોલર (અંદાજે ₹14.67 કરોડ) આપવામાં આવ્યા છે. કીવી ટીમનું પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહ્યું છે.સેમિ ફાઈનલમાં હારનારી ટીમો (ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા) ને પણ ખાલી હાથે ઘરે જવું પડ્યું નથી, તેમને 0.79 મિલિયન ડોલર (અંદાજે ₹7.24 કરોડ) મળ્યા છે. આ સિવાય 5 થી 12માં ક્રમે રહેલી ટીમોને ₹3.48 કરોડ અને 13 થી 20માં ક્રમની ટીમોને ₹2.29 કરોડની પ્રાઈઝ મની મળી છે.આ વખતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કુલ 13.5 મિલિયન ડોલર (અંદાજે ₹123.77 કરોડ) નું રેકોર્ડબ્રેક પ્રાઈઝ પૂલ રાખ્યું હતું. જે 2024 ના વર્લ્ડ કપ કરતા 20% વધુ છે. 2024 માં કુલ 11.25 મિલિયન ડોલર વહેંચવામાં આવ્યા હતા. આ વધારો દર્શાવે છે કે T20 ક્રિકેટની લોકપ્રિયતા અને તેની વ્યાવસાયિક કિંમત સતત વધી રહી છે.