રીપોર્ટ@દેશ: આવતીકાલે ભારત બંધનું એલાન, કઈ કઈ સેવાઓ પ્રભાવિત થઈ શકે? જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એક ડઝનથી વધુ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ કિસાન અને ગ્રામીણ મજૂર સંગઠનની સાથે મળી આવતીકાલે 9 જુલાઈએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ ભારત બંધનો ઈરાદો કેન્દ્ર સરકારની કોર્પોરેટ સમર્થક અને મજૂર વિરોધી નીતિઓનો વિરોધ કરવાનો છે.આ મોટા વિરોધ પ્રદર્શનમાં જાહેર પરિવહન, નાણાકીય અને ઔદ્યોગિક ક્ષેત્રોના સામેલ થવાથી સામાન્ય જનજીવન પર અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
શાળાઓ, કોલેજો અને ખાનગી કચેરીઓ બંધ રાખવા અંગે કોઈ સત્તાવાર સૂચના નથી. પરોક્ષ રીતે વિક્ષેપો આવી શકે છે. સંપૂર્ણ બંધ ન હોવા છતાં, ઘણા શહેરોમાં રસ્તાઓ પર અવરોધ અને સ્થાનિક વિરોધને કારણે પરિવહનમાં વિલંબ થઈ શકે છે અથવા અવરજવરમાં ઘટાડો થઈ શકે છે. એપ-આધારિત કેબ સેવાઓ, સરકારી બસો અને ઓટો-રિક્ષા મર્યાદિત સંખ્યામાં કાર્યરત થઈ શકે છે. ખાસ કરીને મોટા શહેરો અને ઔદ્યોગિક નગરોમાં જ્યાં યુનિયનોનો વધુ પ્રભાવ છે. શૈક્ષણિક સંસ્થાઓ કે વાણિજ્યિક સંસ્થાઓ માટે સત્તાવાળાઓએ કોઈ ઔપચારિક બંધની સૂચના જારી કરી નથી.
આ હડતાળની પાછળ જાહેર અને ઈન્ડસ્ટ્રિયલ સેવાઓ પર વધુ અસર જોવા મળી શકે છે. આયોજકો અનુસાર બેન્કિગ અને નાણાકીય સેવાઓ, ખાસ કરી જાહેર ક્ષેત્રની બેંક અને સહકારી સંસ્થામાં સમસ્યા આવી શકે છે. ચેક ક્લિયરન્સ, ગ્રાહક સહાયતા અને બ્રાંચની અંદર કામકાજમાં વિલંબ થઈ શકે છે.પ્રભાવિત થનાર અન્ય ક્ષેત્રોમાં કોલસા ખનન, પોસ્ટ સેવાઓ, સરકારી વિભાગ અને કેટલાક રાજ્યોમાં જાહેર પરિવહન નેટવર્ક સામેલ છે. સમાચાર પ્રમાણે નેશનલ મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (NMDC) અને સ્ટીલ તથા ખનના ક્ષેત્રોના અન્ય PSUના મજૂર પણ આ બંધમાં ભાગ લઈ શકે છે.